આજના કહેવાતા આત્મજ્ઞાની, પ્રબુદ્ધ માણસો-પંડિતો
જ્યારે ‘‘ઓશો’’નાં પુસ્તકોમાંના નસરુદીનના દાખલા આપી
શ્રોતાઓને ખુશખુશાલ કરી દે છે! એ જ વક્તાઓ
‘‘ઓશો’’ જીવતા હતા ત્યારે આભડછેટની જેમ ‘‘ઓશો’’
સાથે વર્તતા. આ બધા જ લોકો હવે ‘‘ઓશો’’ના
સાહિત્યનો સહારો લઇ લોકોને આધ્યાત્મિક જ્ઞાન આપવાનો
ડોળ કરી ગુમરાહ કરે છે.
લોકોને ઓશો દ્વારા જે જ્ઞાન મળતું હતું તે આ
કહેવાતા આત્મજ્ઞાની પોતે ઉપદેશ આપતા હોય એવો ડોળ
કરે છે. માણસ જીવંત હોય છે ત્યાં સુધી સાચા માણસની
કિંમત હોતી નથી. તેના ગયા પછી આપણે ગુણગાન
ગાઇએ છીએ.
મહાવીરની પહેલી દેશના નિષ્ફળ ગઇ તેનું પણ આ જ
કારણ. ફ્રાઇસ્ટને સૂળી પર ચડાવી દેવાયા અને પાછળથી
ભગવાનની જેમ પૂજવા લાગ્યા આનું પણ આ જ કારણ.
પયગંબર કહેવાય છે કે પોતાના ગામમાં પૂજાય નહિ,
બીજાના ગામમાં પૂજાય. ‘‘ઓશો’’ જેવી મહાન વ્યક્તિ
આપણા દેશમાં ન પૂજાય. ફૉરેનવાળા ભગવાનની જેમ
પૂજે, આ માનવજીવનની ચાલી આવતી એક કરુણતા છે.
જીવતા માણસને આપણે ઓળખતા નથી અને મરી
ગયા પછી એનાં વખાણ કરતા થાકતા નથી.
આપણે જોઇએ છીએ કે કોઇ પણ વ્યક્તિની શોકસભામાં
મરનારનાં કેટલાં બધાં વખાણ કરતાં હોઇએ છીએ. એ જ વ્યક્તિ જીવંત હોય છે ત્યારે બે સારા શબ્દો તેના માટે
બોલતા અચકાઇએ છીએ.
જે શબ્દો શોકસભામાં વ્યક્તિ વિષે બોલાય છે એ
શબ્દો માણસ જીવનભર સાંભળવા વલખાં મારતો હોય છે,
પણ એવા શબ્દો જીવતા કોઇ સંભળાવતા નથી અને
જ્યારે શોકસભામાં મોટામોટા અવાજે સારાસારા શબ્દોથી
નવાજવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ સાંભળવા મોજૂદ
હોતી નથી. આ છે માનવજાતનો સ્વભાવ.
ખરેખર કહું તો આપણે બધા નાટક કરતા કલાકાર
કરતાં પણ ઉચ્ચ કોટિના કલાકાર છીએ. જીવનના અંત
સુધી કલાકારની જેમ જ જીવન જીવીએ છીએ. નાટકનો
કલાકાર બાપડો ત્રણ કલાક પૂરતો જ અભિનય કરે છે,
પણ આપણે તો જીવનભર, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી
જીવંત અભિનય આપીએ છીએ. કલાકાર તો ત્રણ કલાક
પૂરતો ‘‘રામ‘‘ બને છે, કૃષ્ણ બને છે, રાવણ બને છે,
સીતા બને છે, પણ આપણે તો બધાં જ પાત્ર સંસારમાં
ભજવીએ છીએ, પણ કોઇ વ્યક્તિ સંસાર છોડી જાય છે
ત્યારે આપણે આપણો મુખવટો કાઢી સત્ય વસ્તુ
શોકસભામાં કહીએ છીએ, કારણ આપણે જાણીએ છીએ
કે, હવે ગયેલ વ્યક્તિ આપણું કશું બગાડી શકે તેમ નથી
તો હવે સાચું કહેવામાં વાંધો નહીં. જીવંત હતો ત્યાં સુધી
સત્ય ન કહેવાની પાછળ કારણ આપણો અહંકાર. કોઇ
જીવંત વ્યક્તિ બીજી જીવંત વ્યક્તિ સામે નીચો કે નબળો
દેખાવા માગતો નથી, પછી ભલે એ સંસારી હોય કે સાધુ
હોય, જીવંત માણસ હંમેશાં પોતાનાથી બીજાને ઊતરતો
ગણાવા માગતો જ નથી. જે માણસ હૃદયથી બીજાના
ગુણગાન ગાઇ શકે છે એ જ સાચો સંસારી, સાધુ કે સંત
હોવાને લાયક છે.
સાચા સાધુ અને સંતની વાત કરવી હોય તો હું તો
એટલું જ કહીશ ‘‘કે જેને આણ્યો અહંકારનો અંત તે
સાચો સંત.’’
દુનિયામાં અઘરામાં અઘરું હોય તો એ છે અહંકાર પર
વિજય. અહંકાર અજ્ઞાની માટે જેટલો દુષ્કર છે તેનાથી
વિશેષ જ્ઞાની માટે છે. અહંકાર પર માણસ જે દિવસે
વિજય મેળવે છે તે દિવસે માણસ બદલાઇ જાય છે.
રાગ અને દ્વેષનું મૂળ જ અહંકાર છે. અહંકાર જતા જ
જે ઝાડના મૂળ ઊખળતાં જ ઝાડ જમીનદોસ્ત થઇ જાય
છે તેમ અહંકાર જતાં જ માણસમાં ફૂલેલાં પાન, ડાળી,
ફળ, થડ જેવા દરેક અવગુણ નષ્ટ થઇ જાય છે. પરિવર્તન
એના જીવનને બદલી નાખે છે. પુનરાવર્તન તો ઝેરોક્ષ
કૉપી જેવું છે, જેમાં કંઇ કરવાનું હોતું નથી. એ તો એક
છાપમાંથી બીજી છાપ ઊભી કરે છે અને એમાં કોઇ
મહેનત નથી. એમાં સુખ હી સુખ. પરિવર્તનમાં શ્રમ કરવો
પડે છે. મનને, ઇન્દ્રિયોને મનાવવાં પડે છે, સંઘર્ષ કરવો
પડે છે જે મુશ્કેલ કાર્ય છે. તેના માટે વાણિયો બની
વેપારનાં નફા-નુકસાનની વાત નથી, પણ ‘‘મહાવીર’’
બની છત્રી બની સામે છાતીએ લડવાનું છે.
બસ, શબ્દોને વિરામ આપતાં એટલું જ કહીશ કે,
મહાવીરના માર્ગે ચાલનાર, અહંકારને જીતવા માટે મહાવીર
જેવી શક્તિ કેળવી જીવન જ્યોત જગાડે.