ઘણાં વર્ષો જૂની વાત છે, જ્યારે હું કૉલેજના પહેલા
વર્ષમાં ભણતો હતો. ઉનાળાની વૅકેશનમાં હું મારા એક
મિત્ર સાથે સુરેન્દ્રનગર વૅકેશન ગાળવા આવેલ. અમે બન્ને
મિત્રો બપોરે રેલવેસ્ટેશન પર બાંકડા પર જઇને બેસતા
અને સૌરાષ્ટ્ર મેલની આવવાની રાહ જોતા. એક દિવસ
અમે બેઠા, ત્યાં સૌરાષ્ટ્ર મેલ બૉમ્બેથી આવ્યો અને
બપોરનો સમય, ગરમીનો પારો એટલો ઊંચો કે માણસ
પાણીપાણી કરે. સુરેન્દ્રરનગરનું પાણી ખારું, એટલે
ગામડામાંથી ઘણી બહેનો કૂવાનું મીઠું પાણી ભરીને વેંચવા
આવે.
જેવો મેલ ઊભો રહ્યો કે ગામડાની આ બહેનો ‘‘પાણી
લીઓ, મીઠું ઠંડું માટલાનું પાણી લીઓ.’’ આમ બૂમો
પાડવા લાગી. બધા પેસેન્જર બારીમાંથી પોતાનો ગ્લાસ
કાઢે ને પાણી પીએ. આમાં એક ભાઇએ પોતાનો ગ્લાસ
કાઢ્યો, પણ પેલી બાઇને પાણીનો ભાવ પૂછ્યો, બહેન!
પાણીના એક ગ્લાસના કેટલા પૈસા? બાઇએ જવાબ
આપ્યો, બે આના ભાઇ. પેલો ભાઇ કહે કે, પાણીના બે
આના હોય! એક આનામાં આપ. તું ક્યાં પૈસા આપીને
લઇ આવી છો? પેલી બહેન કહે, ના ભાઇ! અમે લાંબેથી
ગામડામાંથી ઊંચકીને લાવીએ છીએ. બે આનાથી ઓછામાં
ન પરવડે. પેલો પૅસેન્જર બાઇ સાથે માથાકૂટ કરવામાં ને
કરવામાં ગાડી ઊપડી ગઇ. અમે બન્ને મિત્રો આ તમાશો
જોતા હતા. ગાડી ઊપડી ગયા પછી પેલી બાઇએ પાણી
ગાડીના પાટા પર રેડી દીધું. મારાથી રહેવાયું નહીં. મેં બાઇને કહ્યું, બહેન! તારે પાણી રડેવું જ હતું, ફેેંકવું જ હતું
તો પેલા પૅસેન્જરને એક આનામાં એક ગ્લાસ આપવામાં
વાંધો ક્યાં હતો?
ત્યારે તે બાઇ બોલી, ભઇલા! તું હજુ નાનો છે. તને
ખબર નહીં પડે. મોટો થઇશ ત્યારે તને ખબર પડશે.
સાંભળ, જેને તરસ ન હોય ને, એને પાણી મફતમાં પણ
ન અપાય, કારણકે જેને સાચી તરસ લાગી હોય એ
પાણીનો ભાવ ન પૂછે. એ પહેલા પાણી પીએ અને માગે
એ પૈસા પ્રેમથી આપી દે. આટલું કહી એ બાઇ તો ચાલી
ગઇ, પણ મને એમ લાગ્યું કે એ બાઇ મને કંઇક સંદેશ
આપતી ગઇ. જીવનમાં કંઇ પણ હાંસિલ કરવું હોય તો
તરસ જોઇએ. તરસ હશે તો ધીરુભાઇ અંબાણી પણ બની
શકશો. આજે જ્યારેજ્યારે હું એકલો બેઠો હોઉં છું ત્યારેત્યારે
એ ગામડાની બાઇની વાત યાદ કરી એને ધન્યવાદ
આપું છું.