૨ : ૬૮ - ધર્મ શું છે?

ધર્મ શબ્દ આવતાં જ બધા વિચારે ચડી જાય છે. ધર્મ
આપણે કોને કહેવો એનાથી આજનો માનવી જાણે સાવ
અજાણ થઇ ગયો છે? કે પછી ધર્મનો સાચો માર્ગ ભૂલી
ગયો છે? અગર ધર્મનો સાચો માર્ગ બતાવનાર ભટકાવી
રહ્યા છે? હવે આ જમાનામાં ધર્મ અને કર્મને સાથે રાખવા
પડશે, નહીં તો ધર્મ ટકવો મુશ્કેલ બની જશે. કર્મ
કરતાંકરતાં ધર્મ કરવા માટે ક્યાંય સ્થાન બચ્ચું હોય એવું
લાગતું નથી.
પરસેવાથી રેબઝેબ સ્ત્રી શાકની થેલી ઉપાડીને જતી
હોય, કે કોઇ વેપારી દોડતોદોડતો રેલવે કે બસ પકડવા
જતો હોય કે પછી કોઇ વેપારી પોતાની દુકાને સમયસર
પહોંચવા પૂરઝડપે ચાલતો જતો હોય, કે કોઇ ભિખારી
પોતાના પેટ ખાતર કોઇ શ્રીમંતની ગાડી પાછળ દોડતો
હોય, કે પછી કોઇ બાળક સ્કૂલની ૧૦ કિલોની બૅગ
ઉપાડીને ઘરે જતો હોય, પણ ન જાણે આમાં ક્યાં આપણે
ધર્મને ગોતવો કે પછી આ જ સાચો ધર્મ છે, આ બધું
નક્કી કરવું અતિકઠિન છે.
દીકરાને સ્કૂલે મૂકવા જતી માતા જોઇએ કે મંદિર લઇ
જતા કોઇ પિતાના પુત્રને જોઇએ કે પછી સાધુ–સંતો સાથે
વિહારમાં ચાલતા માણસોને નિહાળી ઘડી-બે ઘડી લાગે કે
ધર્મ અહીં જ છે. ભલે આપણે ગમે તેટલી બૂમાબૂમ
કરીએ, ચોરે-ચૌટે ધર્મનાં ગાણાં ગાઇએ, પણ સાચો ધર્મ
સમજવા સાચી સમજણ જોઇએ. જ્યાં જાવ ત્યાં તમને દરેક લોકો ઉપદેશ આપતા જોવા
મળશે. મંદિરે જાવ, મસ્જિદ જાવ કે દેવળ કે ગુરુદ્વારામાં
જાવ, બધે આપણને ધર્મની ફિલોસોફીમાં ઊણા ઊતરતા
કોઇ નહીં દેખાય, બધા જ જાણે ધર્મના મોટા જાણકાર
હોય એમ સલાહ-સૂચન આપતા હોય છે.
ત્યારે આપણને ગૂંગળામણ થાય કે સત્ય શું છે? જે દેખાય
છે એ સાચો ધર્મ છે કે પછી નથી દેખાતું એ સત્ય છે?
સત્ય ક્યાં છુપાયેલ છે? મહાવીરના આગમમાં કે બુદ્ધના
ધમ્મપદમાં કે કુરાનમાં કે બાઇબલમાં!
વિચાર કરશું તો જરૂર લાગશે કે માણસને બે ઘડી
વિચાર કરવા માટે વિચાર આવતો નથી. ન જાણે કાળના
એવા સકંજામાં આવી ગયા છીએ કે ધર્મને સાચો સમજવા
તૈયાર થાય તોપણ સમય મળવાનો નથી.
આજના આ યુગમાં સાયન્સે એટલી હરીફાઇમાં માણસને
મૂકી દીધો છે કે એમાંથી છૂટી શકવું બહુ મુશ્કેલ છે. આ
હરીફાઇ પદાર્થોની છે.
ગમે તેટલી સુખ-સગવડ વધારો, પરિગ્રહનો ઢગલો કરો,
પણ એનો છેડો કે અંત આવતો જ નથી. પરિગ્રહ એ એક
એવું દૂષણ છે કે માણસ છૂટવા ધારે તોપણ છૂટી શકતો નથી.
માણસ પોતા માટે ન જીવતા, બીજા શું કહેશે એની
ફિકરમાં ને ફિકરમાં દોડતો રહે છે. રહેવાની નાની જગ્યા
હોય તો મોટી જગ્યા માટે મથામણ કરે અને મોટી
જગ્યાની ખુશી માણે નહીં ત્યાં એનાથી મોટી જગ્યાની
મથામણ શરૂ કરે. આમ ને આમ મનની દોડમાં લપેટાતો
જાય. એક ગાડી હોય તો બીજી ગાડી લેવાનો વિચાર કરે,
બીજી આવે તો ત્રીજીનો વિચાર કરે ને આમ ને આમ
જીવનમાં અશાંતિના બીજ રોપતો જાય. ઘરમાં ગમે તેટલું
ઝવેરાત હોય, પણ વધારો કરતો જ રહે. લોભને ટાળી જ
ન શકે. આમાં સાચા ધર્મ તરફ વળવા માટે સમય ક્યાં
મળે. જીવન આમ ને આમ પૂરું થઇ જાય.
આ તો બધા શ્રીમંતોની વાત થઇ. જ્યારે સામાન્ય
માણસની વાત કરીએ તો એના માટે ધર્મ કરવા માટે
સમય જ ક્યારે હોય. સવારે બાપડો ઊઠે ત્યારથી જ
ગદ્ધાવૈતરું શરૂ થાય જે સાંજે ઘરે આવે ત્યાં સુધી ચાલે.
જોનારને થાય કે આ બિચારાને જીવનમાં સંઘર્ષ સિવાય
બીજું છે શું? આજના સામાન્ય માનવીને પોતાના પેટ
પૂરતું રળવા માટે કેટકેટલો સંઘર્ષ કરવો પડે છે. આનો
વિચાર કોઇ શ્રીમંત કે સાધુને કઇ રીતે આવે?
જીવનની આ સાચી પરિસ્થિતિમાં ધર્મ વિષે આપણે
ભાષણ સાંભળીએ ત્યારે લાગે કે ભાષણ આપનાર
વાસ્તવિકતાથી લાખો ભોજન દૂર છે, છતાં પણ આવી
પરિસ્થિતિમાં કોઇ માણસ પોતાના બાળકની આંગળી પકડી
મંદિરે કે ગુરુદ્વારે કે દેવળમાં જતો હોય ત્યારે અચૂક લાગે કે
ધર્મ હજુ જીવંત છે. સંજોગોએ માણસને વિવશ કરી દીધો
છે. આમાં માનવીનો વાંક નથી, વાંક છે આજના નવા
જમાનાનાં નવાં પ્રલોભનો અને નવાંનવાં શરીરસુખનાં
સાધનોનો જે માણસને જીવનભર દોડાવ્યે રાખે છે.
દરેકને દોડમાં દોડવું પડે છે. શ્રીમંતને વધુ શ્રીમંત થવું
છે, ગરીબને શ્રીમંત થવું છે. નહીં તો ભવિષ્યમાં પોતાના
પરિવારનો સારા કુટુંબમાં સંબંધ બાંધવો મુશ્કેલ થાય છે.
ક્યારેક આપણને લાગ્યા વગર રહે નહીં કે, સંસારી જેટલો
પરિષહ સહન કરે છે એ સાધુના પરિષહથી પણ કઠિન છે,
છતાં પણ સંસારી બધાં દુઃખોમાંથી પાસ થઇ જાય છે,
કારણકે સંસારનો મોહ એટલો ગાઢ છે કે દુઃખ દુઃખ
લાગતું નથી. હવે ધર્મ કોને કહેવો એ વાંચનારે નક્કી
કરવાનું છે.
આજ આટલું બસ.