એક વખત એક અજનબી અકબરના દરબારમાં આવે
છે. અકબરને વિનંતી કરે છે કે, હું મૂર્તિકાર છું અને મારી
પાસે ત્રણ સોનાની મૂર્તિ છે જે વેંચવા માટે તમારા
દરબારમાં આવ્યો છું. મારી મૂર્તિ દેખાવમાં ત્રણે સરખી છે,
પણ ત્રણે મૂર્તિની ગુણવત્તા અલગઅલગ છે. જે વ્યક્તિ
આ ત્રણેય મૂર્તિની ગુણવત્તા પ્રમાણે રૂપિયા આપવા તૈયાર
થશે તેને હું આ મૂર્તિ આપીશ, નહીં તો હું આ મૂર્તિ પાછી
મારી સાથે લઇ રાજમહેલમાંથી જતો રહીશ.
અકબર બાદશાહનો મંત્રી બિરબલ હાજર હતો, એટલે
બાદશાહે બિરબલને આ ત્રણે મૂર્તિની કિંમત નક્કી કરવા
માટે કહ્યું.
બિરબલે ઊભા થઇ એ ત્રણે મૂર્તિ હાથમાં લઇ ચારેબાજુએ
ફેરવીને જોઇ, પણ કંઇ ખબર ન પડી. ત્રણે મૂર્તિઓ
દેખાવમાં સરખી, વજનમાં સરખી, આકારમાં સરખી,
સોનાની ચમક સરખી, બિરબલ વિચારે છે કે આ મૂર્તિકાર
કહે છે કે મૂર્તિની ગુણવત્તા પ્રમાણે ભાવ જે કરશે એને
આપશે, નહીં તો મૂર્તિ લઇને જતો રહેશે. બિરબલ સમજી
ગયો કે મૂર્તિમાં કંઇક ખૂબી હોવી જોઇએ.
બિરબલે એક વાંસની સળી લીધી અને મૂર્તિની અલગ-
અલગ જગ્યા પર ભોંકી, પણ ક્યાંય ખૂંચી નહીં.
પછી સળી મૂર્તિના કાનમાં નાખી. પહેલી મૂર્તિના
કાનમાં સળી નાખતાં જ સળી બીજા કાનથી બહાર
નીકળી ગઇ. અકબર બાદશાહે તુરત કહ્યું કે, આ મૂર્તિની
કિંમત એક લાખ રૂપિયા, કારણકે એ સળી કાનની આરપાર સીધી નીકળી ગઇ. પછી બિરબલે બીજી મૂર્તિના
કાનમાં સળી નાખી તો એ કાનમાંથી સીધી મોઢામાંથી
નીકળી એટલે તુરત અકબર બાદશાહે કહ્યું કે આની કિંમત
પચાસ હજાર રૂપિયા, કારણકે એ મોઢામાંથી નીકળી.
પછી બિરબલે ત્રીજી મૂર્તિના કાનમાં સળી નાખી તો
એ સળી સીધી પેટમાં ઊતરી ગઇ, ક્યાંયથી બહાર ન
નીકળી, એટલે અકબરે દશ હજારની કિંમત મૂકી.
મૂર્તિઓની કિંમત સાંભળી મૂર્તિકાર ત્રણે મૂર્તિ લઇ
બહાર જવા નીકળ્યો. ત્યારે બિરબલ એને રોકે છે. જરા
થોભી જા. બિરબલે બાદશાહની રજા લઇ મૂર્તિની કિંમત
નક્કી કરવા બીડું ઝડપ્યું. બિરબલે પહેલી મૂર્તિની કિંમત
એક હજાર આંકી, કારણકે એ મૂર્તિના કાનમાં સળી
નાખી તો એ બીજા કાનેથી બહાર નીકળી જતી હતી.
આ પહેલી મૂર્તિ એ માણસનું વ્યક્તિત્વ બતાવે છે, કે જે
માણસ મંદિરમાં જાય, મસ્જિદમાં જાય, દેવળમાં જાય,
ભલે ગમે તે ધર્મસ્થાને જાય, પણ ધર્મ એક કાને સાંભળે
અને બીજા કાને બહાર કાઢી નાખે, જીવનમાં ઉતારે નહીં.
આથી આ મૂર્તિની કિંમત એક હજારથી વધારે ન હોઇ
શકે.
બીજી મૂર્તિની કિંમત બિરબલે ૧૦ હજાર મૂકી, કારણકે
એ મૂર્તિના કાનમાં નાખેલ સળી મોઢેથી બહાર આવી.
આથી બિરબલ કહે છે કે, સમાજ એવા માણસોનો છે જે
ધર્મનું સાંભળે છે અને બીજાને કહે છે. ભલે પોતે પાળે કે
ન પાળે, પણ બીજાને કહીને ધર્મફેલાવો કરે છે.
ત્રીજી મૂર્તિની કિંમત એક લાખ મૂકી, કારણકે ત્રીજી
મૂર્તિના કાનમાં નાખેલ સળી સીધી પેટમાં ઊતરી ગઇ,
મતલબ એમ થાય કે ધર્મસ્થાનમાં જનાર વ્યક્તિ જો
ધર્મઉપદેશ સાંભળી પેટમાં ઉતારી દે તો બોલનારનું અને સાંભળનારનું કલ્યાણ થયા વગર રહે નહીં. બીજું સાંભળેલ
પેટમાં ઉતારનાર બધું જ પેટમાં સાચવી દે છે, માન હોય,
અપમાન હોય, ખોટી-સાચી વાતો, બધું જ પેટમાં રાખે
છે. આવું કામ મહાન વ્યક્તિ જ સમાજમાં કરી શકે. માટે
ત્રણે મૂર્તિમાં ત્રીજી મૂર્તિની કિંમત બધાથી વધારે બિરબલે
આંકી. રાજા બિરબલની ચતુરાઇ પર ફિદા થઇ ગયો અને
મૂર્તિકારને મૂર્તિની કિંમત ચૂકવી વિદાય ર્ક્યો, કારણકે
મૂર્તિકારને પણ પોતાની મૂર્તિની ગુણવત્તા પ્રમાણે રૂપિયા
મળી ગયા.
કલાકારને કલાની કદર કરવાવાળા જોઇએ, નહીં કે
માત્ર કિંમત દેનારા.