સંસાર એટલે શું? ઘણી વાર આપણને આવો વિચાર
આવે. દરેક પોતપોતાના હિસાબે પોતાની સૂઝબૂઝના
આધારે સમજાવે, પણ ખરેખર આપણે જોઇએ તો લાગે
કે સત્તા, સંપત્તિ અને સન્માનના કુંડાળામાં જેનો પગ પડે
છે એ કુંડાળામાંથી બહાર નીકળી શકતું નથી.
કોઇ અંધારી રાતે જતો હોય અને ચાર રસ્તામાં કોઇ
તાંત્રિકે કરેલ કુંડાળામાં પગ પડે ને એ વ્યક્તિ ચક્કર જેવી
થઇ જાય તો ઉતારી શકે, પણ કોઇ સત્તા, સંપત્તિ કે
સન્માનના ચક્કરમાં આવ્યા પછી કોઇ તાંત્રિક પણ કાઢી
શકે નહિ. આનું નામ જ સંસાર.
સંસારમાં દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે, પણ બુદ્ધિને પણ
બહેરી કરી નાખે એવી આ ત્રણ સત્તા, સંપત્તિ અને
સન્માન જેવી મહાસત્તાથી કોઇ બચવા ધારે તોપણ બચી
શકતું નથી.
સંસારી આવા પ્રલોભનમાં ભટકી પડે એ તો વાસ્તવિક
છે, પણ સાધુ-મહાત્માઓ પણ આમાંથી બચી શકતા
નથી. સાધુને પણ રાજકીય સત્તા ભલે ન હોય, પણ
રાજકીય માણસનો સાથ લઇ વિશેષ લાભ ઉઠાવતા હોય
છે. ભલે સાધુ પાસે સંપત્તિ ન હોય, પણ ધનવાનોને સાથે
રાખી પોતાની કીર્તિ વધે એવા ધર્મના નામના કામ
કરાવવામાં અટવાઇ જાય છે. સાધુ છે કે સંસારી એ નક્કી
કરવું સંસારી માટે અઘરું કામ થઇ જાય છે.
હવે રહી ત્રીજી સન્માનની વાત જે દરેકને બહુ જ પ્રિય
અને સાકર જેવી મીઠી લાગે છે. એના ચક્કરમાંથી કોઇ દુર્લભ આત્મા જ બહાર નીકળી શકે છે. કદાચ સાધુપુરુષોને
આમાં વધારે આસક્તિ હોય છે.
દરેક સાધુપુરુષ પોતાને માનતો વર્ગ કેમ વધે એની
પળોજણમાં પડેલો રહે છે અને આમ ને આમ જિંદગીનાં
વર્ષો સાધના કરવાને બદલે સન્માન કેમ મળે એમાં
ખર્ચાઇ જાય છે.
જેને આપણે સાધુ કહીએ છીએ એ લોકો જો આવા
ચક્કરમાં ફસાઇ જતા હોય તો આપણા જેવા સામાન્ય
માણસની શું દશા થાય.
ઇશ્વર દરેકને સદ્બુદ્ધિ આપે એ જ અભ્યર્થના સાથે...