૨ : ૫૫ - દાતણવાળી

ઘણાં વર્ષા પહેલાંની આ વાત છે, જ્યારે હું જામનગરની
બોર્ડિંગમાં ભણતો હતો. બોર્ડિંગમાં દરેક છોકરાઓને અલગ-
અલગ કામ આપવામાં આવે. કોઇને શાકભાજી લેવા
જવાનો વારો આવે, કોઇને સાફસફાઇ કરવાનો તો કોઇને
પીરસવાનો, કોઇને રૅશનિંગ લેવા જવાનો, તો કોઇને
દાતણ લેવા જવાનો વારો આવે. દાતણ લેવા માટે દરેકને
અઠવાડિયે એકવાર જવું પડે. મારો વારો રવિવારે આવે.
એકવાર રવિવારને દિવસે દાતણ લેવા ગયો. દાતણ લેવા
ઊભા હતો ત્યાં એક કરોડપતિ ભાઇએ ગાડીમાંથી ઊતરી
દાતણવાળી પાસે બે છડી દાતણની લીધી અને ખીસામાંથી
સો રૂપિયાની નોટ કાઢી. એ વખતે સો રૂપિયા એટલે
અત્યારની હજારની નોટ જેવા. પેલી દાતણવાળી કહે,
ભાઇ! આટલા રૂપિયાના છૂટા અમારા આગળ ક્યાંથી
હોય, ફરી બીજી આવો ત્યારે આપી જજો.
પેલો કરોડપતિ કંઇ બોલ્યા વગર ચાલ્યો ગયો. આભાર
કહેવા જેટલો વિવેક પણ ન બતાવ્યો. મનમાં ખુશ થતો
હશે. જે હોય તે, પણ ફરી આઠ દિવસે રવિવારે હું દાતણ
લેવા ગયો ત્યારે એ જ સમયે પેલો કરોડપતિ દાતણ લેવા
આવેલો. હું ઊભોઊભો જોતો હતો કે એ પૈસા આપે છે કે
નહિ! ફરી પહેલાંની જેમ સો રૂપિયાની નોટ કાઢી. ફરી એ
દાતણવાળીએ કહ્યું, ભાઇ! બીજી વાર આપજો ને! આટલા
છૂટા અમારા જેવા ગરીબ માણસ પાસે ક્યાંથી હોય! પેલો
કરોડપતિ મનમાં ને મનમાં ખુશ થતો જતો રહ્યો. મારાથી
રહેવાયું નહીં, એટલે મારાથી દાતણવાળીને પૂછાઇ ગયું કે,બહેન! તમને પેલા કરોડપતિ બેવકૂફ બનાવે છે. ગયા
રવિવારે તમને સો રૂપિયાની નોટ બતાવી દાતણ મફત લઇ
ગયેલ. ફરી આજે સો રૂપિયાની નોટ બતાવી જાણી જોઇને
મફત લેવા આવેલ અને તમે એને, ભાઇ! બીજી વાર
આપી જજો, કહીને જવા દીધો. તમારા જેવા ગરીબ
માણસો આગળ આવા પૈસાવાળા માણસો ગેરલાભ લેતા
ચૂકતા નથી.
ભાઇ તું હજુ નાનો છે, તને હજુ ખબર નહીં પડે, પણ
સાંભળ! મને નથી ખબર પડતી એવું નથી, પણ મને એ
કરોડપતિ પર દયા આવે છે કે જ્યારે એનો બે આનાના
દાતણમાં જીવ જતો હોય એને જ્યારે ગાડી-બંગલા, કરોડો
રૂપિયા છોડીને જવું પડશે ત્યારે એનો જીવ કેમ જશે?
બસ, એની દયા ખાતર હું મારા બે આના જતા કરું છું.
મને મારા પર મગરૂરી થાય છે કે, શ્રીમંતો ગરીબોને દાન
આપે છે, પણ હું તો શ્રીમંતને ગરીબ હોવા છતાં બે
આનાનું દર રવિવારે દાન કરું છું. આટલું સાંભળી હું ત્યાંથી
જતો રહ્યો, પણ હજુ વર્ષો વીત્યાં, પણ નથી એ
દાતણવાળીને ભૂલી શક્યો કે નથી એના શબ્દો ભૂલી
શક્યો કે નથી એ કરોડપતિને ભૂલી શક્યો. ઇશ્વર દરેકને
દાતણવાળી જેવી સદ્‌બુદ્ધિ આપે.