સામાન્ય માનવી હોય, સંસારી હોય કે સાધુ હોય, તેના
જીવનમાં અહંકાર ક્યારે આવી જાય એ ખબર પડતી નથી,
કારણકે અહંકાર ‘‘ઘરના પાછલે દરવાજેથી આવે છે.’’
સત્તા અને સંપત્તિનો અહંકાર તો માણસને આવે છે એ
પોતાને અને બીજાને ખબર પડી જાય છે, પણ જ્ઞાનનો
અહંકાર માણસમાં જે આવે છે એ એને પણ ખબર પડતી
નથી. અહંકાર ન કરવાની મોટીમોટી વાતો કરનાર પોતે
અહંકારથી છલોછલ ભરાઇ જાય છે ત્યાં સુધી તેને પણ
ખબર પડતી નથી.
ઝાડ ઊગતાં પહેલાં એ બીજના રૂપમાં હોય છે અને
ખાતર, માટી, પાણી અને પ્રકાશ મળતાં એ બીજ અંકુરિત
થાય છે અને એક દિવસ વિશાળ વટવૃક્ષ બની જાય છે.
બસ, આમ જ જ્ઞાનીનું થાય છે. એને માન-સન્માન,
મોટો સમુદાય મળતા ખાતર, પાણી અને પ્રકાશનું કામ કરી
જાય છે અને અહંકારનું વટવૃક્ષ બની જાય છે. જેમ
બીજમાંથી વૃક્ષ બની જાય છે એ ખબર નથી પડતી તેમ
સાધુ ક્યારે અહંકારી બની જાય છે એ એને પણ ખબર
પડતી નથી. આ અંકુરિત થયેલ બીજ ફરી મૂળ સ્વરૂપમાં
આવવું બહુ મુશ્કેલ છે, કારણકે જ્યારે વિચાર આવે છે ત્યાં
સુધીમાં વૃક્ષ ડાળી, પાન અને ફળથી લચીલું બની ગયું હોય
છે. હવે મૂળ રૂપમાં આવવા માટે આખું થડ કાપવું પડે, જે
બહુ જ મુશ્કેલ હોય છે. કોઇ સંતપુરુષ હોય છે, જે આવા
સમયે જાગીને પોતાના મૂળ સ્વરૂપ તરફ પાછો વળી જાય છે
અને સમાજનાં બધાં બંધનો તોડી મૂળ સ્ત્રોત તરફ આગળ
વધી જાય છે અને આ જ સાચો જ્ઞાની અને સાચો માર્ગ
દરેકના જીવનમાં આવે એ જ અભ્યર્થના સાથે....