૨ : ૪૬ -લોભને થોભ નહીં

રાજકુમારી ‘‘મોહિની’’એ ઉપાસના કરી અને એક દેવ
તેના પર ખુશ થયા. દેવે મોહિનીને કહ્યું, તું કઇ પણ
માગ, હું આપવા તૈયાર છું.
મોહિનીએ વરદાન માગ્યું કે મારાથી કોઇ પણ તેજ દોડી
ન શકે અને દોડમાં મને જે હરાવશે તેની સાથે હું લગ્ન
કરીશ. દેવે ‘‘તથાસ્તુ’’ કહી વિદાય લીધી.
મોહિની બહુ જ સુંદર હતી, સ્વર્ગની અપ્સરા કરતાં પણ
મોહક હતી. દરેક યુવાન ઇચ્છે કે તેનાં લગ્ન મોહિની સાથે થાય.
બધા જ યુવાનો તેની સાથે દોડમાં જાય, પણ કોઇ જીતે નહીં.
‘‘મોહિની’’ને આથી અહંકાર આવી ગયો કે, ભલાભલા
યુવાન મારી સામે હારી જાય છે. દિવસેદિવસે અહંકાર વધતો
ગયો. આ જોઇને એક યુવાને પણ દેવની ઉપાસના કરી. દેવ
હાજર થયા. યુવાનને કહ્યું, માગ માગ, શું જોઇએ છે?
યુવાન બોલ્યો કે, દોડમાં હું ‘‘મોહિની’’ને જીતી જાઉં.
દેવે કહ્યું હવે આ શક્ય નથી. મેં ‘‘મોહિની’’ને આ વચન
આપેલ છે, પણ તને એક રસ્તો બતાવું છું. આ રસ્તે
ઘણા સફળ થયા છે. ‘‘મોહિની’’ને અહંકાર આસ્વી ગયો
છે, પણ એના મનમાં લોભનાં બીજ હજુ પડેલાં છે. જ્યાં
લોભ હોય છે ત્યાં અહંકાર પછડાટ ખાય છે. સાંભળ, હું
તને ત્રણ સોનામહોર આપું છું. તું જ્યારે દોડ શરૂ કરે ત્યારે
થોડાથોડા અંતરે આ સોનામહોર નાખતો જાજે. ‘‘મોહિની’’
આ જોઇને લોભમાં ફસાઇને એ ઉપાડવા જશે. તું તરત જ
આગળ નીકળી જજે અને છેવટે તું વિજય પ્રાપ્ત કરશે.
યુવાને દેવે ક્હ્યું તેમ ર્ક્યું. મોહિની હારી અને યુવાન જોડે
લગ્ન કરવા પડ્યાં.
માણસે અહંકારથી અને લોભથી દૂર રહેવું, સંતોષ અને
વિનયપૂર્વક જીવન જીવવું એ આ કથાનો સાર છે.
કથા એને કહેવાય જે થાક ઉતારે.