૨ : ૪૧ - મા મોટી કે ભગવાન

માતાના મૃત્યુની વેદનામાં ડૂબેલ એક યુવક મંદિરે જઇ
ચડ્યો...
ભગવાનને પૂછે છે કે, ભગવાન! મારે કોનો આભાર
માનવો, તારો કે મારી ‘‘મા’’નો?
૧) તેં મને જીવન આપ્યું, પણ જીવન જીવવાની રીત
મારી ‘‘મા’’એ શીખવાડી.
૨) તેં મને ભૂખ આપી, પણ પહેલું સ્તનપાન મારી
‘‘મા’’એ કરાવ્યું.
૩) તેં મને પગ આપ્યા, પણ પા-પા પગલી કરવાનું
મારી ‘‘મા’’એ શીખવ્યું.
૪) તેં મને હૃદય આપ્યું, પણ હૃદયની હર ધડકન મારી
‘‘મા’’એ સાંભળી.
૫) તેં મને કાન આપ્યા, પણ તારા જ ગુણગાનનાં
હાલરડાં મારી ‘‘મા’’એ સંભળાવ્યાં.
૬) તેં મને આંખ આપી, પણ દુનિયા મારી ‘‘મા’’એ
બતાવી.
૭) તેં મને હાથ આપ્યા, પણ તને વંદન કરવાનું મારી
‘‘મા’’એ શીખવ્યું.
બોલ, કોનો આભાર માનું, તારો કે મારી માનો.
કહેવાય છે કે, પથ્થરની મૂર્તિમાંથી અવાજ આવ્યો, હે
યુવાન! તું સાચો છે. તારી ‘‘મા’’નો આભાર પહેલા
માન, કારણકે હું ભગવાન બન્યો એ પહેલાં મારે પણ
‘‘મા’’ની કૂંખે જન્મ લેવો પડ્યો હતો, પણ સાંભળ! હવે
તારે પુરુષાર્થ કરવાનો છે, વર્ધમાનમાંથી મહાવીર બનવા,
સિદ્ધાર્થમાંથી બુદ્ધ બનવા આક્રોશ છોડી સત્યને સમજ.
આટલું કરી અવાજ બંધ થઇ ગયો.