ઘણી વાર આપણે કોઇ કવિની કવિતા વાંચતા હોઇએ કે કોઇ લેખકનો લેખ કે બુક કે કોઇ શાયરની શાયરી વાંચતા હોઇએ ત્યારે જરૂર લાગે કે આ ક્યાંક વાંચેલ છે, સાંભળેલ છે, પણ આમ જુઓ તો દરેક સાહિત્ય એક જ ડિક્શનરીના શબ્દોથી વિશેષ કંઇ નથી. એવી કઇ કવિતા છે કે જેના શબ્દો ડિક્શનરીમાં ન હોય. એવા ક્યા લેખ કે શાયરી કે બુક છે જેના શબ્દો ડિક્શનરીમાં ન હોય. હોય જ. ફરક એટલો છે કે દરેક કવિ, લેખક કે શાયર પોતપોતાની સૂઝબૂજ પ્રમાણે શબ્દોને ગોઠવે છે, પોતાની બુદ્ધિથી વાક્યને ગોઠવે છે, પોતાના વિચારોથી શણગારે છે. જેને આવું ગોઠવતા આવડી જાય એ મોટો લેખક કે કવિ અને જેને બરાબર ન આવડે તે નાનો.
મોટો મોટો નથી એમ નથી, પણ મોટાને ઇશ્વરની દેન છે કે એ શબ્દો દ્વારા નવાનવા રંગ ભરી શકે છે, પણ નાનો ખોટો નથી. એ એની શક્તિ પ્રમાણે રંગ ભરે છે.
જેમ આપણે ઘરમાં ઇન્ટિરિયર કરવાનું હોય તો અલગઅલગ આર્કિટેક્ટ અલગઅલગ ઘરને ઓપ આપી શકે છે. વસ્તુઓમાં પ્લાઇવૂડ લાકડાં, સનમાઇકા, ફિટિંગ બધા એક જ સરખા હોય, પર જ્યારે ઘર તૈયાર થાય છે ત્યારે બે આર્કિટેક્ટમાં એકનું બહુ સુંદર લાગે અને બીજાનું નબળું લાગે. આમાં પણ ઇશ્વરની એક દેન છે જે એકને મળી છે, જે બીજાને નથી મળી.
એક ચિત્રકાર છે, એ રંગ લઇને ચિત્ર કરવા બેસે. બીજો ચિત્રકાર પણ એટલા જ રંગ લઇને બેસે, પણ બન્નેના સર્જનમાં મોટો ફેર લાગે. એકને મોટામાં મોટું પારિતોષિક મળે અને બીજાને એમાંનું કશું ન મળે. રંગ બન્ને પાસે હતા, છતાં રંગને પૂરવાની જે કળા એકમાં હતી તેવી બીજામાં ન હતી. બન્ને ચિત્રકારમાં પણ આ જ મોટો ફેર, જેને આપણે ઇશ્વરની ભેટ કહીએ તો ખોટું નથી.
કોઇ નાટકનો કલાકાર રોલ ભજવવામાં એટલો માહેર હોય છે જે બીજો કલાકાર એ જ નાટક એટલું સુંદર રીતે ભજવી શકતો નથી. ભલે નાટયગૃહ એક હોય, વસ્ત્રો એક હોય, ડાયલોગ એક હોય, માઇક એક હોય, લાઇટિંગ એક હોય, છતાં પણ એક કલાકારના નામ પર થિયેટર હાઉસફૂલ થઇ જાય અને બીજાના નામે અર્ધું ખાલી હોય.
બસ, મારું કહેવાનું એટલું જ છે કે, લેખક, કવિ, સાધુ–સંત, શાયર, દાર્શનિક (ફિલૉસૉફર) બધા એક જ ડિક્શનરીના શબ્દોના સહારે સર્જન કરે છે, પણ સર્જનકાર પોતાની શક્તિ પ્રમાણે એમાં રંગ ભરે છે, પોતાના વિચારો ભરે છે, પોતાની કલ્પના સાકાર કરવા મથે છે, જેમાં જોનારને કંઇક નવું લાગે, આકર્ષક લાગે છે, પણ આખિર એક જ ડિક્શનરીના શબ્દોથી વિશેષ કંઇ નથી. છે ને કમાલ. બસ, મેં પણ આ ગુલઝારમાં મારી રીતે ‘’ગુલઝાર’’ને શણગારેલ છે, જે તમને ગમશે એવી આશા સાથે મારા શબ્દોને વિરામ આપું છું.
લલિત ઠક્કર ઉર્ફે સ્વામી પ્રેમ અનુરાગી