ઘણી વાર આપણને અલગઅલગ જાતના મિત્રો મળે
અને લગભગ દરેકની વાતમાં કંઇક નવીનતા ભરેલી હોય.
કોઇક કહે કે, હમણાં ગ્રહો બરાબર નથી એટલે કામધંધામાં
સરખાઇ નથી, તો કોઇ વળી એમ કહે કે, હમણાં નસીબ
સાથ નથી દેતું, જ્યાં હાથ નાખું છું ત્યાં ખોટ જાય છે.
વળી એવા પણ હોય જે જ્યાં હાથ નાખે, સોનામાં,
શૅરમાં કે કોઇ પણ જાતના સટ્ટામાં, બધે ફાયદો જ
ફાયદો. ઘણા લોકો એવા હોય કે જે હંમેશાં રોતા હોય કે
ભાગ્યમાં જ ઢસરડા લખ્યા છે, એમાં અમે શું કરીએ,
જિંદગીભર ઢસરડા ર્ક્યા પણ બે પાંદડે ન થયા. એના એ
જ રહ્યા. આમ સમાજમાં દરેક વ્યક્તિની ફિલોસોફી
અલગઅલગ હોય, પણ એક વાત નક્કી છે કે, જે માણસ
ઇશ્વરની ઇચ્છા હોય એમ જ થાય છે એવું બોલનારને એક
જાતનો સંતોષ મળે છે અને આ સંતોષ એના જીવનનો
બોજ હળવો રાખે છે.
ઇશ્વર હોય કે ન હોય, પાપ અને પુણ્ય જેવું હોય કે ન
હોય, પુનઃજન્મ હોય કે નહીં, પણ તમારી મનોવેદના દૂર
કરવા માટે કોઇ પણ શરણાગતિ સ્વીકારવાથી શાંતિનો
અનુભવ જરૂર થાય છે.
મનમાં વિચારે કે ઇશ્વરની ઇચ્છા આગળ પામર મનુષ્યનું
શું ચાલે? બસ આ એક સૂત્ર એને એક આશાનું કિરણ
આપે છે. જીવન જીવવા માટે એક નવો રાહ કરી આપે છે
અને મનના દુઃખની દવા મળી જાય છે. દુઃખની છાપ
માનસ પરથી ભુંસાઇ જાય છે.
]માનવીને જીવનમાં જે પ્રાપ્ત હોય છે તેનાથી કદી તેને
સંતોષ થતો જ નથી. ‘‘બુદ્ધ કહેતા કે, અસંતોષ એ જ
બધાં દુઃખોનું મૂળ છે.’’ આ અસંતોષના દુઃખને ભૂલવા
માટે સંતોષનો સહારો લીધા વગર ચાલશે નહિ. સંતોષના
સહારે જીવનમાંથી તનાવ દૂર થશે, બીજા પ્રત્યેનો અભિગમ
બદલાઇ જશે, વ્યવહાર બદલાઇ જશે અને દરેક જોડે
આત્મીયતા આવશે. આથી બન્ને પક્ષે પ્રેમ, લાગણી અને
સ્નેહ વધશે.
જેમજેમ માણસ બુદ્ધિશાળી થતો ગયો તેમતેમ ઇશ્વર
પર શ્રદ્ધા ઘટતી ગઇ.
ઇશ્વર હોય તો ઇશ્વરને બધાને દુઃખ આપવામાં શું રસ
હોય? છતાંય દુઃખ આપે છે. સુખ આપવામાં ઇશ્વરને ક્યાં
નુકસાન છે? એ તો મહાશક્તિશાળી છે. બસ, આ બધા
વિચારો માણસને ઇશ્વરમાં સંદેહ કરતો કરી દે છે. આથી
માનવીની ઇશ્વર પરથી શ્રદ્ધા ડગમગવા લાગે છે.
એક મજૂર સવારથી સાંજ સુધી મહેનત કરે છે ત્યારે બે
ટંકનું ભોજન મેળવે છે અને એક બીજી વ્યક્તિ ગાદી ઉપર
બેઠાબેઠા કશી જ મહેનત ર્ક્યા વગર લાખો રૂપિયા
કમાઇને એશોઆરામની જિંદગી જીવે છે! આ ક્યાંનો
ન્યાય?
આવી બધી વાતોમાં ન પડતા, ઇશ્વરને સ્વીકારવાથી
આપણી માનસિક શાંતિમાં ખૂબ વધારો થાય છે અને
આપણા જીવનમાંથી અસંતોષની આગ ઓલવાવા માંડે
છે. જીવનમાં એક નવું ઝરણું ફૂટી નીકળે છે જે આપણી
વર્ષોની પ્યાસને બુઝાવી દે છે.
સંસારમાં માનવી જન્મ લે છે ત્યારે તેની પરિસ્થિતિ
પ્રમાણે તેને સુખસાહ્યબી, ગરીબી, અગવડતા-સગવડતા
પ્રાપ્ત થાય છે. હવે જો માણસ પોતાને મળેલ વસ્તુનો
સ્વીકાર કરી લે તો સંઘર્ષ રહેતો જ નથી. એ હળવોફૂલ
જેવો રહે છે. બસ, પછી ભવિષ્યની સિદ્ધિની મમતા કે
તકલીફનો ગમ રહેતો નથી.
પ્રભુનાં ચરણમાં જાત સોંપી હળવા થવામાં જે મઝા છે
તે સવાલ-જવાબ કરી દુઃખી થવામાં નથી.
હોશિયાર એ છે જે સત્યને સ્વીકારે છે. જે પોતાની
શક્તિને સ્વીકારે છે અને જે ઇશ્વરને સ્વીકારી પોતાની
જાતને સમર્પણ કરી દે છે એ જ સાચી સમજદારી છે.
બાકી નહીં તો ધૂળધાણી.