જૂગારીને રમતમાં ત્રણ એક્કા આવે તો છાતીસરસા ચાંપીને બેસી જાય છે. એ જાણે છે કે જીત મારી જ છે. પણ એ જાણતો નથી કે આખર હાર એની જ થાય છે. જૂગારનું પરિણામ પહેલાં ભલે સુંદર દેખાતું હોય પણ અંત દુઃખદાયક અને વિનાશકારક જ હોય છે, અત્યારે આપણે જોઈએ છીએ શેરનો સટ્ટો કરનાર ક્લબમાં જૂગાર રમનાર, રેસમાં રમનાર કે સોના-ચાંદીનો સટ્ટો કરનારને આખરે એક દિવસ બરબાદ થઈ ઘેર બેસવાનો વારો આવે છે. ક્યારેક તો ઘેર બેસવાને બદલે ઘર વેચી ભાડે રહેવાનો વારો આવે છે. આવી દારુણ પરિસ્થિતિ હોવા છતાં ખેલાડી પોતાની હાર કબૂલ ન કરતાં જુગાર છોડતો નથી. હોય એટલું બધું જ દાવ ઉપર લગાવી દે છે. ન જાણે એને મીઠી ખંજવાળ, કોઈ ગુમડાના દરદીને કાયાની દોરીના ખાટલા સાથે શરીર ઘસવાની જે મઝા આવે એવી મઝા જૂગારમાં આવતી હશે. પછી ભલે એ લોહીલોહાણ થઈ જાય. આવી બધી વાતો આપણે જાણીએ છીએ, પણ મારે જે કહેવું છે એ એવા સંસારીના ત્રણ એક્કા છે તેની વાત કરવી છે. જે હું અને તમે જાણીએ છીએ પણ છાતીએ લગાડીને બેઠા છીએ. આ સંસારીના ત્રણ એક્કા દેખાવમાં સુંદર અને ભભકાદાર દેખાય છે પણ એ માણસને ખોખલો કરી નાખે છે અને આ ત્રણ એક્કામાં ફસાયેલ માણસ એમાંથી છૂટી શકતો નથી. તો લો આમાંનો પહેલો એક્કો એટલે “અહંકાર”.
આ કાળીના એક્કા જેવો છે, કારણ કે કાળીનો એક્કો પત્તાની રમતમાં સૌથી મોટો ગણાય છે. જીવનમાં પણ જે માણસ અહંકારથી ભરેલ છે તે જીવનનું ખરું સત્ય ખોઈ બેસે છે. એ જે દિશામાં સુખ શોધવા મથે છે એ દિશામાં આખરે દુઃખ સિવાય કશું જ હાથ લાગતું નથી. સંસારી અહંકાર શાનો કરે છે ? પૈસાનો અહંકાર ગાડી, બંગલાનો, સત્તાનો, રૂપનો કે પછી ઈશ્વરે આપેલ આ સુંદર દેહનો પણ એ અહંકારમાં એટલો આંધળો થઈ જાય છે કે સમય જતાં આમાંનું કંઈજ રહેવાનું નથી અને મૃત્યુ આ બધું જ લૂંટી લેશે એનું ભાન પણ રહેતું નથી. મનુષ્યના હાથમાં માત્ર નિરાશા જ રહી જાય છે. જે સુખ માટે વલખાં મારતો હતો એ સુખ એન હાથતાળી આપી જાય છે. અહંકાર નથી તમારી સાથે સાચી મિત્રતા રહેવા દેતો કે નથી સગાસંબંધીઓ સાથે સંબંધ. બીજો એક્કો છે ફૂલીનો એક્કો' અને એ છે “અપેક્ષા'. માણસ જીવનની શરૂઆત ક્રરે છે. ત્યારે કેટકેટલી અપેક્ષા રાખે છે, લગ્ન કરે એટલે પત્ની પાસેથી અપેક્ષા કે પત્ની સેવા કરશે. ઘરનું બધું ધ્યાન રાખે છે, છોકરાંઓનું સંસ્કાર સિચન કરશે વગેરે અને પત્ની એમ અપેક્ષા રાખે કે પતિ સારું એવું કમાઈને લાવશે. રહેવા માટે સુંદર ઘર લેશે. બાળકોને ભણાવી મોટી ડિગ્રી અપાવશે વગેરે અને ભવિષ્યમાં બાળકોને પરણાવી સુખ-શાંતિથી જીવન વ્યતીત કરશું પણ સત્ય જ્યારે સામે આવે છે ત્યારે પત્તાના મહેલની માફક કડડ ભૂસ્સ થઈ જાય છે. જાણે કે હાથમાં આવેલ પારાને દબાવતાં બધો જ પારો છૂટી જાય છે તેમ હાથવેંત લાગતા સપના પણ સરી પડે છે. આ બધું સમજી આ એક્કાને જલ્દી છોડી દેજો નહિ તો “શમણાં તો પંખીની જાત”. ન જાણે પંખી મોટું થતાં માળા છોડી ચાલી નીકળે છે, આકાશની તરફ. તેમ તમે જ રચેલ સપના પણ ગગનમાં ઊડતાં દેખાશે અને આમને આમ જીવનનો અંતિમ કાળ સામે આવી ઊભો હશે.
હવે છેલ્લો એક્કો એટલે કે “ચોકડીનો એક્કો”. આ એક્કો એટલે “અસંતોષ”.
ભગવાન બુદ્ધ કહેલ છે કે Unsatisfaction is the root of All the Evils." બધા દુઃખોનું મૂળ અસંતોષ છે. અસંતોષ એ જીવનને એવી રીતે પકડી લે છે જાણે આપણે જ આપણાં આંગળાં એકબીજામાં ભરાવી દીધા હોય. કોઈ હિસાબે છૂટી શકીએ નહીં. લાખ કમાય તો કરોડની આશા જન્મ અને જેવા કરોડે પહોચીએ કે દશ કરોડની આશા જન્મે એ અસંતોષ કદી પૂરો થાય નહીં. નાના ઘરમાંથી મોટા ઘરની ઇચ્છા થાય.
મોટું ઘર થાય તો તેનાથી મોટા ઘરની ઇચ્છા જન્મે. આ ઇચ્છા જાગ્રતિનો અંત આવે જ નહીં અને છેવટે આ અસંતોષ માણસને હાથમાં રહેલ વસ્તુનો પણ આનંદ અને સુખ ભોગવવા ન દે. અસંતોષની આગ માણસના જીવનને ભસ્મીભૂત કરી નાખે છે. આમ ત્રણ એક્કા જેમ જુગારીને પાયમાલ કરી નાખે છે. તેમ અપેક્ષા, અસંતાપ અને અહંકાર માણસને બરબાદ કરી જીવન સત્ત્વ લૂંટી લે છે. આમાંનો કોઈપણ એક્કો તમારા જીવનમાં હોય તો વહેલી તકે ફેંકી દે . નહીં તો જીવન ખારું થતાં વાર નહીં લાગે. ત્રણ એક્કાવાળો જુગારી જુગારમાં એક વખત જીતી જાય છે પણ આખરે પાયમાલ થાય છે તેમ આપણે પણ જીવનમાં આવા ત્રણ એકા રાખેલ હોય તો વહેલી તકે ફેંકી દેજો તો જીવન નંદનવન બની જશે. ઈશ્વર દરેકને સબુદ્ધિ આપે. “જય જિનેન્દ્ર”.