મૃત્યુ સાંભળતાં જ માણસનાં ગાત્ર ઢીલાં થઈ જાય છે. આપણને કોઈ જ્યોતિષી એમ કહે કે ભાઈ તમારું મૃત્યુ આજથી ત્રીસમે દિવસે થવાનું છે. તો સાંભળતા જ આપણે ખાલી કોથળા જેવા ઢીલા ઢસ થઈ જઈએ. ન જાણે દુનિયાભરના વિચાર ભરડો લેવા માંડે. આપણને એમ લાગવા માંડે કે મારા ગયા પછી મારા બૈરી-છોકરાનું શું થશે? કામધંધાનું શું થશે? બધા પ્રશ્નોથી મન ઘેરાઈ જાય. વધારેમાં વધારે તો દુ:ખ એ વાતનું થાય કે આજ સુધી મૃત્યુ થશે એમ વાત ઘણી વખત કરેલ છે પણ ખરેખર મૃત્યુ આવશે એવું અંદરથી કદી માન્યું નથી અને આજે જયારે ખબર પડી કે એક મહિના પછી મૃત્યુ દરવાજો ખખડાવશે ત્યારે હાજા ગગડી જાય છે, કારણ કે મૃત્યુ કરતાં મૃત્યુ પછી આપણે એકલા અટુલા કોના સાથે દુઃખની વાતો કરશું, કોની સાથે સાંજે બગીચામાં બેસવા જશું, કોની સાથે વાતો કરી જીવનનો થાક ઉતારશું. આપણને ત્યાં કોણ ઓળખશે. ન જાણે આ બધા વિચારો માણસને હલબલાવી નાખે છે.
કોઈ અજાણ્યા રસ્તે ભૂલો પડેલ માનવી હેબતાઈ જાય એમ આપણે હેબતાઈ જઈએ છીએ. બધું જ ધૂંધળું થવા લાગે છે. આજ સુધી સંસારનો પાકો લાગતો રંગ એકાએક કાચો લાગવા માંડે છે.
ખરેખર તો મૃત્યુ આવશે એવું અંદરથી સ્વીકારેલ જ નથી. જાણે અહીં અમરપટો લઈને આવેલ છીએ એમ માનેલ. આથી વિદાય બહુ વસમી લાગે છે. મૃત્યુ તો આપણા જન્મના દિવસથી જ શરૂ થઈ જાય છે. ફર્ક છે માત્ર સમયનો. કોઈ થોડા વર્ષ રહે છે તો કોઈ ઝાઝા વર્ષ રહે છે. આપણે આપણો જન્મદિવસ ઉજવીએ છીએ ત્યારે જેટલામો જન્મદિવસ ઉજવીએ તેટલા મૃત્યુના નજીક પહોંચી જઈએ છીએ.
પણ વિધાતાએ એક છેલ્લું પતું તેની પાસે રાખેલ છે. એ કહેતી નથી કે તમે મૃત્યુથી કેટલા નજીક પહોંચ્યા, માટે તૈયાર આપણે રહેવાનું છે. જો આપણે ખરેખર તેયારી નહીં કરી હોય તો મૃત્યુના ડરથી એટલા ગભરાઈ જશું કે મૃત્યુ વખતે બેભાન થઈ જશે અને જન્મોજન્મથી આ સ્થિતિને હિસાબે આપણને ગત જન્મ યાદ રહેતો નથી અને ફરી ફરી સંસારના સુખમાં ભોગમાં લપેટાઈ જિંદગીની માનવજીવનની મહત્તા ભૂલી ખીણમાં જઈ પડીએ છીએ. આપણે તો ગત જન્મ યાદ રહી જાય અને કરેલી ભૂલો ન કરતાં શુભ ચિંતન વાંચન અને શુભકર્મો દ્વારા જીવનને સાર્થક બનાવી એક દિવસ કહી શકીએ કે “ને મૃત્યુ મરી ગયું.”
અને શ્રાવકનો ત્રીજો મનોરથ પૂરો કરીએ –
“હે નાથ, હે પ્રભુ, મારા કાળના અંતે મારા મરણના અવસરે પૂર્વે જે વ્રત આદર્યા છે તે આલોપી પડિકમ્મ નિંદી નિઃશલ્ય થઈ અઢારે પાપસ્થાન પચ્ચખાવી ચારે આહાર પચ્ચખાવી આ શરીર વોરાવી પંડિત મરણે મરણ પામું એવું પંડિત મરણ સમાધિ મરણ આ દેહે આ જન્મે ઉદય થાઓ, પ્રાપ્ત થાઓ. તે દિન તે ઘડી હું મારી લેખાની ગણીશ. લેખાની ગણીશ.”