૧: ૯૪ - “એક અજનબી”

ઘણાં વર્ષો પહેલાં “ઓશોની” એક બુક વાંચેલ. એમાં એક સુંદર દષ્ટાંત હતું કે એક વખત એક અજનબી રાજાના દરબારમાં આવ્યો. દરબારમાં રાજા સુંદર કપડાં પહેરીને સિંહાસન ઉપર બેઠા હતા. પેલા અજનબીએ રાજાને કીધું કે હું તમને દેવલોકના દેવોના દૈવી આભૂષણ આપી શકું છું. હીરામોતીથી શણગારેલ દેદીપ્યમાન વસ્ત્રો પૃથ્વી ઉપર ક્યાંય ન મળે એવાં વસ્ત્રો તમને માત્ર 1000 સોના મહોરમાં આપી શકું તેમ છું. મારો દેવો સાથે ડાયરેક્ટ કોન્ટેક છે. રાજા કહે, ભલે પણ તું વસ્ત્ર ન લઈ આવ્યો તો? તો મારું માથું ને તમારી તલવાર. ઠીક છે સોદો મંજૂર પણ કેટલા દિવસમાં તું લઈ આવીશ? આ માટે તમારે મને એક અલાયદો રૂમ તથા એક લાકડાંની પેટી આપવાની રહેશે. બરાબર પંદરમે દિવસે તમારા માટે દેવતાના કપડાં લઈ હાજર થઈશ.

પંદર દિવસ પછી પેટી ખોલવાનો સમય થયો. પેટી રાજદરબારમાં લાવવામાં આવી. બધાની વચ્ચે અજનબીએ પેટી ખોલતા પહેલાં એક શરત કરી કે જે માણસનો પોતાના બાપથી જન્મ થયો હશે તેને જ આ દિવ્ય આભૂષણ દેખાશે.

પછી તેણે રાજાને કહ્યું કે તમારા મુગટ ઊતારો. રાજાએ મુગટ કાઢ્યો. અજનબીએ પેટીમાં હાથ નાખી મુગટ કાઢી પ્રજાને અને રાજાને બતાવ્યો અને બધાને પૂછ્યું કે મુગટ સુંદર દેખાય છે ને ? બધા બોલ્યા, હા બહુ જ સુંદર છે. આટલું કહી રાજાના માથા ઉપર મૂક્યો.

પછી રાજાના બીજાં કપડાં ઉતાર્યા દૈવી કપડાં બધાને બતાવે. બધા હા કરે અને રાજાને પહેરાવતો જાય. છેલ્લે રાજાની ચોયણી ઉતરાવી અને રાજાને દૈવી આભૂષણની ચોયણી બતાવી અને પ્રજાને પણ બતાવી. બધાએ કીધું બહુ જ સુંદર છે. રાજાનાં બધાં જ કપડાં ઉતરી ગયાં. રાજા નગ્ન થઈ ગયો પણ કહે કોણ? જે કહે તે તેના બાપથી જન્મેલ ન હોય એ કહી શકે.

રાજા પણ જાણતો હતો કે હું નગ્ન થઈ ગયો છું. કોઈ દૈવી કપડાં નથી પણ કેમ કહે કે દૈવી કપડાં નથી. એટલામાં પ્રજાજનમાં એક માણસ પોતાના પાંચ-છ વર્ષના દીકરાને ખભે લઈને આવ્યો હતો. તેણે ખભા ઉપર બેઠા બેઠા જોયું કે રાજા તો નગ્ન થઈ ગયો છે એટલે એનાથી રહેવાયું નહીં. એ બોલ્યો પપ્પા રાજા તો નગ્ન થઈ ગયા છે. ચૂપ તને ખબર ન પડે. તું હજુ બાળક છે. તું જયારે મારા જેવડો થઈશ ત્યારે તને કપડાં દેખાશે. એ નગ્ન નથી. એણે દેવતાઈ કપડાં પહેરેલાં છે. તને નહીં દેખાય. તારી માને મેં કીધું હતું કે તને મારી સાથે ન મોકલે. પણ એ માની જ નહીં. કંઈક ને કંઈક ઝંઝટ ઊભી કરશે. ચાલ અહીંથી ઘર.

બાળક સાચું બોલતો હતો. બાળક સત્ય જ બોલે છે. મોટાની સાચું બોલવાની હિંમત ન હતી, કારણ કે અજનબી ચાલાક હતો. તેણે શરત મૂકી હતી કે આ દૈવી વસ્ત્ર માત્ર જે પોતાના બાપથી જન્મેલ હશે, એને જ દેખાશે. માણસ-માણસને કેવા છેતરે છે.