રામકૃષ્ણ પરમહંસ હંમેશાં કહેતા હતા કે, એક વખત મીઠાનું પૂતળું સમુદ્ર કિનારે એક મેળામાં ફરવા ગયું. મેળામાં ફરતું હતું ત્યારે એક માણસે પૂછ્યું કે ભાઈ આ અથાગ સમુદ્રની ઉંડાઈ કેટલી હશે? મીઠાના પૂતળાંને થયું કે લાવ આ માણસ પૂછે છે તો જઈને જોઈ આવું કે સમુદ્રની ઉંડાઈ કેટલી છે? લોકો હંમેશાં કહેતા હોય છે કે સમુદ્રની ઉંડાઈ માપી ન શકાય એટલી ઊંડી હોય છે પણ આજ તો નક્કી જ છે કે મારે ઊંડાઈ માપવી જ છે. આટલું વિચારીને પૂતળાએ સમુદ્રમાં ધૂબકો માર્યો. પછી કલાકો વીત્યા, દિવસો વીત્યા, વરસો વીત્યા પણ પૂતળું પાછું ના આવ્યું. પૂતળું મીઠાનું હતું. જેવું પાણીમાં પડયું કે આસ્તે આસ્તે સમુદ્રના પાણી ભેગું ભળી ગયું. સાગરના પેટાળ સુધી પહોંચે એ પહેલાં સાગરની સાથે સાગરમાં લીન થઈ ગયું. પોતાનું અસ્તિત્વ જ સાગરને સમર્પિત કરી દીધું. આવી જ રીતે માણસ જયારે પરમાત્માને શોધવા નીકળે છે ત્યારે પરમાત્મા તો મળતો નથી પણ શોધતાં શોધતાં એનામાં રહેલ “હું” નીકળી જાય છે. વિલીન થઈ જાય છે ત્યરે જે તદ્દન શૂન્ય રહી જાય છે ત્યારે જે પ્રાપ્ત થાય છે એ જ પરમાત્મા.
પરમાત્માનું કોઈ મિલન ન થાય. એક જ્યોતમાં બીજી જયોત ભળી જાય છે એમ એક આત્મા બીજા આત્મા સાથે ભળી જાય છે અને એને જ પરમાત્મા કહેવાય છે. “હું”નું જવું અને પરમાત્મા થવું.