એકવાર યૂનાન દેશનો બાદશાહ માંદો પડ્યો. ડૉક્ટરોએ કહી દીધું કે હવે બાદશાહ બચશે નહિ. એ સમયે ગામમાં એક ફકીર આવેલ અને એ ફકીરના આશીર્વાદથી ઘણા બીમાર લોકો સાજા થઈ જતા. મંત્રીને વિચાર આવ્યો કે લાવ આ ફકીરને બોલાવી આવું, મંત્રી ફકીરને ગેમતેમ સમજાવીને મહેલમાં લઈ આવ્યા.
ફકીરે રાજાની નાડી જોઈને કહ્યું કે, રાજન! તમને કોઈ રોગ નથી. મારી આગળ એક ઉપાય છે. આટલું સાંભળતાં જ રાજા પથારીમાંથી ઊભો થઈ ગયો. બોલો જલ્દી બોલો. તમે કહેશો તે કરવા તૈયાર છું.
ફકીરે માંગીને કીધું કે તમારા ગામનાં કોઈ શાંત અને સમૃદ્ધ માણસનો કોટ લાવી રાજાને પહેરાવી દો. એટલે રાજા સાજો થઈ જશે.
મંત્રી તુરત ગામના જેટલા સમૃદ્ધ માણસને ઓળખતો હતો, તેમના દરેકના ઘરે ગયો પણ દરેકનો એક જ જવાબ હતો કે અમે સમૃદ્ધ છીએ પણ શાંત નથી. અમને માફ કરો તમારે કોટ જોતો હોય તો લઈ જાવ પણ અમે શાંત નથી.
આમ કરતા કરતા સાંજ પડી ગઈ.
પણ કોઈ શાંત અને સમૃદ્ધ માણસ મળ્યો નહીં. મંત્રી થાકીને પાછો મહેલ તરફ જતો હતો. ત્યાં તેને દૂરથી એક વાંસળીનો મધુર અવાજ સંભળાયો. એ વાંસળીના અવાજ તરફ ચાલવા લાગ્યો તો. દૂર એક પત્થર ઉપર એક માણસ વાંસળી વગાડતો હતો. મંત્રીને થયું કે આ માણસ જ આટલો શાંત હોઈ શકે છે આટલી સુંદર વાંસળી વગાડી શકે છે. ચાલ એને જ પૂછી જોઉં કે તું સમૃદ્ધ છે કે નહિ અને જો સમૃદ્ધ હો તો તારો કોટ આપ.
પેલા માણસ આગળ જઈને મંત્રી કહે છે, ભાઈ આપણો રાજા બીમાર છે. કોઈ દવા લાગુ પડતી નથી પણ એક ફકીરે કહ્યું કે દવાને બદલે એક શાંત અને સમૃદ્ધ માણસનો કોટ જો રાજાને પહેરાવવામાં આવે તો તુરત સાજા થઈ જાય. માટે હું તને પૂછું છું કે તારી વાંસળી સાંભળી મને લાગે છે કે તું શાંત તો જરૂર હોઈશ. હવે જો તું સમૃદ્ધ હોય તો તારો કોટ મને આપ. મારા રાજાની જિંદગી બચી જશે. પેલો બોલ્યો, ભાઈ હું શાંત છું. સમૃદ્ધ નથી. જુઓ મારી હાલત જયાં મને પહેરવા માટે પૂરતા કપડાં નથી. કોટ ક્યાંથી લાવું?
મંત્રી નિરાશ થઈ ગયો. જે શ્રીમંત હતા તે શાંત ન હતા અને જે શાંત હતો તે શ્રીમંત ન હતો. કહેવાય છે કે મંત્રી બાદશાહને બચાવી શક્યો.
મને લાગે છે કે આજના જમાનાના માણસોની પણ હાલત કઈક આવી જ છે.
“જેની આગળ ધન છે એની આગળ શાંતિ નથી
અને જેની આગળ શાંતિ છે એની પાસે ધન નથી.”