૧: ૮૫ - “સંત કો સંત મિલે”

અજ્ઞાની જ્ઞાનીને ભેટી શકે

અજ્ઞાની અજ્ઞાનીને ભેટી શકે

જ્ઞાની જ્ઞાનીને ભેટી શકે

પણ સંત સંતને ભેટી શકે

એકવાર કબીર રહેતા હતા, એમના ગામની પાસેથી એક મુસ્લિમ ફકીર ફરીદને પસાર થવાનું થયું. આથી ફરીદની સાથે નીકળેલા સાથીદારોએ કહ્યું કે, મોટા સુયોગની વાત છે કે રસ્તામાં જ કબીરનું ઘર આવે છે તો આપણે બધા કબીરની કુટિરમાં બે-ચાર દિવસ રોકાયા પછી આગળ જશું તો તમારા ને કબીર વચ્ચે વાર્તાલાપ થશે. એ સાંભળવાનો અમને મોકો મળશે. ફકીરે કીધું ભલે જરૂર આપણે કબીરને મળશું પણ અમારા વચ્ચે કદાચ ચર્ચા નહીં થાય.

બીજી બાજુ કબીરના શિષ્યને ખબર પડી કે ફરીદ અહીંથી નીકળે છે તો ચાલો આપણે એને વિનંતિ કરીએ કે આપણે ત્યાં બે-ચાર દિવસ આરામ કરે પછી આગળ જાય. કબીરે કહ્યું કે મઝાની વાત છે. ફરીદ જેવા સંત આપણે ત્યાં આવે એનાથી બીજો રૂડો અવસર કયો હોય?

ફરીદને કબીરના શિષ્યોએ રોક્યા અને કબીર તથા ફરીદ મળીને એકબીજાને ભેટ્યા અને બંને ખુશીના માર્યા રડી પડ્યા. બે દિવસ થયા પણ બે વચ્ચે કંઈ વાર્તાલાપ થયો નહીં. બંનેના શિષ્યો નિરાશ થયા. એઓને મનમાં હતું કે બંને મળશે તો આત્મા-પરમાત્માની મોટી મોટી વાત થશે અને આપણને કંઈક વિશેષ જાણવા મળશે. ફરીદના ગયા પછી કબીરના શિષ્યોએ કબીરને પૂછ્યું કે કબીરજી તમારા અને ફરીદ વચ્ચે કેમ કોઈ વાતચીત થઈ નહીં. અમે બધા તો એ સાંભળવા ઉત્સુક હતા.

કબીર બોલ્યા કે શું બોલીએ. જે એ જાણે છે તે હું જાણું છું અને હું જાણું છું એ ફરીદ જાણે છે.

બોલવાની ઔપચારિકતા તો સાધુમાં હોય. સંતમાં નહિ. અમારું સ્તર તો એવું છે જ્યાં અમે બંને એક જ છીએ અને એક શું બોલે?