ભગવાન મહાવીરે ઉપવાસ એટલે કે અનશનના જેટલા પ્રયોગ કર્યા એટલા આ પૃથ્વી ઉપર બીજા કોઈએ કર્યા નથી. મહાવીરે ૧૨ વર્ષમાં ૧ વર્ષ ભોજન લીધેલ એટલે કે ૧૨ મહિને એક મહિનો એટલે કે ૧૨ દિવસે એક દિવસ. કોઈક વાર ધ્યાનમાંથી ૨૦ દિવસે ઊઠે તો ૨૦ દિવસે ગોચરી માટે નીકળે. કોઈવાર ૫ દિવસે ધ્યાનમાંથી ઊઠે તો પાંચ દિવસે ગોચરીએ જાય. મહાવીર કહેતા કે જે વસ્તુ વહેલા મોડા મળવાની છે તેનો ત્યાગ કઈ રીતે કરી શકાય. નિયતિને જે મંજૂર છે તે મળશે જ. નિયતિ જે આપે તેમાં મારું કર્મ બંધન નથી. મંજૂર હશે તો એ આપશે. નહીં મજૂર હોય તો નહીં આપે. અસ્તિત્વને મારી જરૂર હશે તો મને જીવાડશે નહીં. જીવાડવો હોય તો નહીં જીવાડે. મારી કોઈ ઇચ્છા કે આગ્રહ નથી. મહાવીરની આ અનશન પ્રક્રિયા જીવેષણા છોડવાની એક પ્રક્રિયા છે. મહાવીર કહેતા કે હું જીવવા માટે કોઈ ઇચ્છા રાખતો નથી. બધું અસ્તિત્વ પર છોડેલું છે. મારી જરૂરત હશે તો અસ્તિત્વ જ બધી વ્યવસ્થા કરશે. આમ કર્યા પછી પણ મહાવીર ૪૦ વર્ષ જીવ્યા. આપણે જ બધું કરીએ છીએ એમ માનવું પણ એક જાતનો અહંકાર છે. ખરેખર અહંકારનો તો ત્યારે જ નાશ થાય છે જ્યારે આપણે માનીએ કે જગતમાં એવું એક રાજ ચાલે છે એવી એક શક્તિ છે જે શક્તિ આપણા જાણ બહાર છે. બરાબર જ્યારે આટલું સમજાઈ જાય છે ત્યારે જ અહંકારનું વિસર્જન થાય છે અને ત્યારે જ સાચા ધર્મમાં પ્રવેશ થાય છે.