બુદ્ધના એક શિષ્યે બુદ્ધને પૂછ્યું કે, તમને જ્ઞાન થયાને
આઠ-દશ દિવસ થયા, પણ તમે મૌન કેમ છો?
બુદ્ધ જવાબ આપે છેઃ જેને જાણવું છે એ જાણી લેશે
અને જેને નથી જાણવું એને લાખ ઉપાય કરીશ તોપણ
નહીં જાણે.
ત્યારે શિષ્યે કહ્યું, તમારી વાત સાચી છે, પણ ઘણા
એવા પણ છે જે જાણવા માગે છે, પણ રસ્તો નથી
મળતો અને ફરી પાછા વળી જાય છે એને માટે તમે જો
કંઇક બોલશો તો એને એક દિશા મળી જશે.
કહેવાય છે કે શિષ્યની વાત બુદ્ધને ગળે ઊતરી અને
દેશના આપવાની શરૂઆત કરી.
ઘણી વખત આપણને સંસાર પ્રત્યે એટલો બધો મોહ
હોય છે કે આપણે સંસાર છોડવા ઇચ્છતા હોઇએ તોપણ
સંસાર છોડી શકતા નથી. આવી મનોદશામાં જીવતા
માનવીને બુદ્ધ જેવા રાહ બતાવે તો રાહ પર ચાલી
નીકળતા વાર લાગતી નથી.
‘‘સત્ય બતાવનાર હોય તો સત્ય જાણનાર મળી રહે
છે.’’