બગીચાના બેન્ચને એક દિવસ એકાએક વાચા ફૂટે છે. “ન જાણે વર્ષો થયા. હું અહીં બગીચામાં બેઠો છું. ન જાણે કેટલાય રંગ જોયા, તડકા-છાંયા જોયા, વરસાદ અને ટાઢ જોઈ, કોયલના મધુર ટહુકા સાંભળ્યા, પ્રેમીઓની પ્રેમગોષ્ઠિ સાંભળી તથા એ જ પ્રેમીઓના ઝઘડાનાં સમાધાન થતાં જોયાં. આ બધું જોઈને હવે હું બહુ થાક્યો એટલે મારી હૈયાવરાળ કાઢવા આજ બે શબ્દ કહેવા તૈયાર થયો છું તો સાંભળો !
અહીં આવી બાળકોને નિર્દોષ વાતો કરતા સાંભળ્યા છે અને એજ બાળકોને મોટા થતાં અહીં જ પ્રેમલીલા કરતા પણ જોયા અને બુઢાપામાં લાકડીને ટેકે એકલા ચાલી આવતા પણ જોયા અને એજ માણસોને ઘરથી પરેશાન થઈ થોડો વિસામો લેતા પણ જોયા. જ્યારે જયારે માણસોની વ્યથા જોઉં છું ત્યારે મને થાય છે કે માણસ સુખી છે કે દુઃખી એ હું નક્કી કરી શકતો નથી. ક્યારેક પ્રેમ વાર્તાલાપ સાંભળી મને થાય છે કે માણસ કેટલો સુખી છે અને કયારેક બે પ્રેમીઓ આવી ઝઘડો કરે છે અને છૂટા પડે છે ત્યારે મને અત્યંત દુઃખ થાય છે. ત્યાં જ થોડીવાર પછી કોઈ ફરતો ફરતો ફકીર આરામ કરતો હોય છે ત્યારે ફરી હું પણ એની ફકીરીમાં મસ્ત થઈ જાણે બધું જ ભૂલી જાઉં છું અને બહુ વિચારોમાં અટવાઈ જાઉં છું. એવે વખતે ઝાડ ઉપરનાં પંખીનો કલરવ સાંભળું છું અને પૃથ્વી ન જાણે ઈશ્વરની સુંદર કૃતિ લાગવા માંડે છે અને બધું જ ભૂલી મસ્તીમાં ઝૂમવા માંગું છું..
ફરી કો’ક દિવસ અહીં આવી બચપણમાં રમતો બાળક મોટો થતો થતો યુવાનીની મસ્તીમાં પ્રેમિકા સાથે પ્રેમાં મશગૂલ હોય છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે પણ સમય જતાં જ્યારે અકાળે એમાંથી કોઈ જીવનની લાંબી યાત્રાએ ચાલ્યો જાય છે ત્યારે મને મોટો આઘાત લાગે છે. મારી આ વ્યથા બીજું કોણ જાણે? હું બધું મૂક પ્રેક્ષકની માફક જોયા કરું છું પણ તમે જ કહો આમાં હું શું કરી શકું?
આ બધું જોયા પછી વર્ષોથી રાખેલ મૌન આજે મેં તોડ્યું. વર્ષો સુધી મારી સાથે બેઠેલ મારી સાથે સુખ-દુઃખના વર્ષો કાઢયા. કોયલના ટહુકા સાંભળ્યા. ફૂલોની સુગંધ માણી છટાદાર વૃક્ષની શીતળ છાંયડી માણી. આવો મનુષ્ય સમાજ ન જાણે આજે કઈ દિશામાં જઈ રહ્યો છે.
મેં રાતોની રાતો વિચાર કર્યો કે માણસ ગજબનો એકાએક આવો કેમ થઈ ગયો. માણસના મનને જાણવું બહુ મુશ્કેલ છે. ઈશ્વરે માણસને બનાવી કમાલ કરી નાખી છે. પણ એથી વિશેષ એનામાં જે મન છે એ તો બધાથી કમાલ છે. જો ભગવાન તું મનને સમજવા માટે કોઈ મશીન બનાવ તો પહેલાં મને આપજે. જેથી હું જોઈ શકું કે આજનો માણસ બોલે છે કંઈક અને કરે છે કંઈક. જુએ છે કંઈક ને વિચારે છે કંઈક. સાંભળે છે કંઈક કહે છે કંઈક. આમ કેમ કરે છે ? “ઈશ્વર દરેકને સબુદ્ધિ આપે” – આ સાથે બાંકડાએ મૌન ધારણ કર્યું.