૧: ૭૭ - “સાધુવ્યથા”

ભૂલો પડી ભગવાન એકદિ તું આવજે
જોઈ દશા અમારી કાંઈક રસ્તો બતાવજે..

  • કપડાં બદલી સાધુ થયો
    સાધુતા જીવનમાં આવી નહીં,
    પોશાક તારો પહેરી કામ અમારું કર્યું
    શરમ આવે છે પણ હવે શું કામનું...ભૂલો
  • ઘરઘર ફરી ગોચરીએ ગયો
    સાધુની ગરિમા જાળવી નહીં
    ભવકટી માટે બહુ ભમ્યો
    સાચું જ્ઞાન પામ્યો નહિ. ભૂલો
  • લોચ કરી કરી લાંબો થયો
    લોભ છોડી શક્યો નહિ
    નકલ તારી બહુ કરી પ્રભુ
    પણ અક્કલ સાચી આવી નહીં.. ભૂલો
  • વિહાર કરી કરી વાંકો વળ્યો
    વાસનાઓ છોડી શક્યો નહિ
    બીજાને છોડવા રીઝવીયા
    હું કાંઈ છોડી શક્યો નહિ. ભૂલો
  • વ્યાખ્યાન આપી આપી બહુ વરસ્યો
    સાંભળનાર તો ભીંજાયા હું કોરો ને કોરો રહ્યો
    ન જાણે હવા કેવી પ્રભુ જમાનાની
    બન્યો સાધુ પણ સંસાર છૂટ્યો નહિ...ભૂલો
  • પૈસા કરી મધલાળમાં હું ફસાયો
    બહારથી ન દેખાય એવા પાપમાં પડ્યો કીર્તિ કેરી આગમાં હું હોમાયો 
    પાછો ફરી જોવાનો વારો ન આવ્યો. ભૂલો
  • આયખાના અંધારા ઓળા ઉતરીઆ
    પડે સાંજ પહેલાં પાર ઉતારો
    મળે નહી કિનારો સંસારસાગર કેરો
    માજી બની પ્રભુસંસાર પાર ઉતારો...ભૂલો

‘સાધુવ્યથા’ આ કાવ્યના શબ્દો જે સાધુઓને લાગુ પડતું ન હોય તેઓને મારા તરફથી મચ્છામિ દુક્કડમ્. બાકી જેને આમાંના કોઈપણ શબ્દો અસર કરતા હોય તેઓ માટે

“આ વિપુલ ઝરણું વર્ધમાને મોકલ્યું

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”

આ પંક્તિ કદાચ જીવનનો રાહ બદલાવી દે.