એક વખત એક રાજા તેના ગુરુ પાસે બગીચાનું કામ શીખવા ગયો, કારણ કે એના ગુરુને બગીચા માટેનું બહુ જ જ્ઞાન હતું. બે-ત્રણ વર્ષ સુધી બગીચા માટેનું જ્ઞાન લઈ રાજા પોતાના રાજ્યમાં ગયો. રાજ્યમાં જઈને એક સુંદર બગીચો બનાવ્યો. જે પ્રમાણે ગુરુએ શીખવાડેલ એ પ્રમાણે જ પોતાનાં માણસોને સમજાવીને બાગ તૈયાર કર્યો. બે-ત્રણ મહિનાની મહેનત બાદ બાગ તૈયાર થઈ ગયો એટલે તેણે પોતાના ગુરુને બાગ જોવા માટે આમંત્રણ આપ્યું. ગુરુ એક દિવસ બાગ જોવા આવ્યા. જેમ જેમ ગુરુ બાગ જોતા જાય છે તેમ તેમ તેનું માથું હલાવતા જાય છે. રાજા ગભરાય છે, કારણ કે રાજા જાણતા હતા કે ગુરુ બહુ ગરમ સ્વભાવના છે. રાજાને થયું કે મારાથી કંઈક ખોટું થયું લાગે છે. એટલે ગુરુ માથું હલાવે છે. હિંમત કરી ગુરુને પૂછ્યું, ગુરુદેવ બધું બરાબર છે ને? નહીં બધું બરાબર નથી. ઝાડ ઉપરના સૂકાયેલ ખરેલ પાંદડાં ક્યાં છે? રાજાએ કહ્યું કે એ તો મેં બાગને સુંદર બનાવવા માટે બધા બહાર ટોપલીમાં ભરીને રાખી દીધા છે. ગુરુ બહાર ગયા. ટોપલી ઉપાડી અને પાંદડાંને હવામાં ફેંક્યા. થોડીવારમાં પાંદડાં આખા બાગમાં ફેલાઈ ગયા. જાણે બાગ જીવંત થઈ ગયો ત્યારે ગુરુએ રાજાને કહ્યું કે સૂકા પાન તો મૃત્યુનો સંદેશ દે છે. મૃત્યુ વગર જીવન અધૂરું છે. આજે આ બાગ હવે પૂર્ણ લાગે છે. અત્યાર સુધી અપૂર્ણ હતો. મૃત્યુ વગર જીવનની કિંમત નથી. મૃત્યુ છે તો જીવનની કિંમત છે. કાલથી મૃત્યુ ન હોય એમ માની લો તો પૃથ્વી ઉપર ઊભા રહેવાની જગ્યા ન રહે.