૧: ૭૧ - “શબ્દોની શ્રદ્ધાંજલિ”

મેં શબ્દોથી આ માળા શ્રદ્ધાની શણગારી છે

જગત છોડી જનારને શ્રદ્ધાંજલિરૂપે પહેરાવી છે...

શોકસભાઓ ભરાય છે જિંદગીના સંદેશની

આંખ ખોલી જીવનની સચ્ચાઈ જાણવાની. મેં શબ્દોથી

કાળપ્રવાહમાં વહી ગયા અનેકો આ સંસારમાં

સભાઓ ભરાય છે, આ બધી તેની યાદોમાં..મેં શબ્દોથી

સમય ગયેલો કદી પાછો આવતો નથી ભલા

ખોટું પગલું ભરતાં આગળનું વિચારી જોજો જરા. મેં શબ્દોથી

જિંદગીભર અહીં રહેવાનું નથી, સાનમાં સમજી જજો

ધર્મશાળા સમજી, આ સંસારને પાર કરી જજો ..મેં શબ્દોથી

આયુષ્યની દોરી તૂટવાનો સમય નથી નક્કી

બંધ થયેલ આંખોને, આપણે હવે ખોલી શકવાના નથી. મેં શબ્દોથી

જિંદગીની સફરમાં સાથે કોઈ ચાલ્યું નથી

શ્વાસ તૂટ્યા પછી સાથે કોઈ આવ્યું નથી...મેં શબ્દોથી

ભ્રમણા હોય છે બધી જળઝાંઝવા કેરી

સફર પર નીકળી જાય છે સૌ બંધન તોડી.. મેં શબ્દોથી

જીવનમાં ધર્મધ્યાન થાય તે કરી લેજો ભલા

પરપોટાની જેમ ફૂટતાં વાર નહીં વ્હાલા..મેં શબ્દોથી

“સંસારીઓ” સલાહ આ મારી નથી ભગવંતો કહે છે

માનો યા ન માનો લખ ચોરાશી ફરતો રહે છે...મેં શબ્દોથી

વૈદને હકીમ બોલાવી ઝઝૂમો ભલે બધા

સિકંદર જેવો પણ ન રહ્યો તું શું વિસાતમાં.. મેં શબ્દોથી