ભગવાન બુદ્ધની અંતિમ ઘડી આવી ત્યારે ગામમાં ખબર પડી કે બુદ્ધ હવે નિર્વાણની તરફ જઈ રહ્યા છે. છેલ્લી ઘડીઓ ગણાય છે. એ સાંભળી એક માણસ દોડતો દોડતો બુદ્ધના દર્શન માટે બુદ્ધ જ્યાં હતા ત્યાં પહોંચે છે. જેવો એ દરવાજા આગળ પહોંચે છે કે તુરંત બુદ્ધના સ્વયંસેવકો એને રોકે છે. આગળ જવા માટે મનાઈ કરે છે. પેલો માણસ બહુ જ વિનંતિ કરે છે. કરગરે છે. દર્શન માટે કાલાવાલા કરે છે. આ દશ્ય બુદ્ધ દૂરથી જોતા હતા. બુદ્ધ દૂરથી શિષ્યોને ઇશારાથી કહ્યું કે, એને આવવા દો. પેલો માણસ આગળ પહોંચ્યો. એટલે બુદ્ધ એને પૂછ્યું કે તું આટલા દિવસ કયાં હતો. આજ છેલ્લી ઘડીએ આવ્યો! પેલો માણસ જવાબ આપે છે કે ભગવાન શું કરું. ક્યારેક દુકાનમાં ઘરાકની એટલી ભીડ હોય કે વિચાર કરું પણ આવી ન શકું. ક્યારેક, ધંધા માટે બહારગામ જવાનું હોય તો ક્યારેક માણસ આવેલ ન હોય તો દુકાન ખોલવા માટે વહેલું જવું પડે તો ક્યારેક છોકરાને સ્કૂલે મૂકવા જવાનું થાય તો ક્યારેક કો'કના મરણમાં તો કોકની શોકસભામાં જવાનું થાય. કોકવાર મિત્રો સાથે વાતોમાં સમય નીકળી જાય. આમ વિચાર કરતાં કરતાં સમય પસાર થઈ ગયો પણ આપનાં દર્શન માટે આવી ન શક્યો. આજે જ્યારે મને ખબર પડી કે તમો નિર્વાણના માર્ગે જઈ રહ્યા છો. એ સાંભળી બધું જ છોડી તમારા દર્શન માટે આવી પહોંચ્યો છું.
મારી ભૂલ થઈ ગઈ કે જીવનમાં બે ઘડી તમને ન કદી સાંભળ્યા કે ન કદી શાંતિથી દર્શન કર્યા. જીવનની ન જાણે કેવી આપાધાપી કે ભગવાનને મળવાનું પણ ભૂલી ગયો. બુદ્ધ બોલ્યા કે અચ્છા હુઆ દેર અદેર તું આઈ તો ગયા. “ઐસે ભી લોગ હૈ જો અબ તક અપને કામમેં વ્યસ્ત હૈ” આટલું કહી બુદ્ધે શ્વાસ છોડી દીધો. પેલો માણસ ખૂબ જ ભાગ્યવાન હતો કે છેલ્લે છેલ્લે બુદ્ધના દર્શન થઈ ગયા. આપણે પણ જીવન પૂર્ણ થાય એ પહેલાં આવા સંતપુરુષ કહો, ભગવાન કહો, જે કહો તે એના દર્શન કરવાનો સમય કાઢવાનું ન ભૂલીએ. સંસાર તો ચાલતો જ રહેવાનો. સમય કાઢવાનું કામ આપણા હાથમાં છે.