૧: ૬૩ - “શરીર અને આત્મા”

આપણે જે શરીરથી જીવીએ છીએ એને જ જીવન માની આપણી યાત્રા પૂરી કરીએ છીએ. પણ વાસ્તવમાં આપણે આ શરીરને વાસ્તવિક હોવાપણું માનીએ છીએ પણ ખરેખર તો આનાથી ઉલટું જ આપણું જીવન છે. કોઈ એક અનાજનું બી જુઓ. એના ઉપર એક ખોળ હોય છે. જે અતિ સખત હોય છે પણ અંદર એક કોમળ અંકુર હોય છે. આપણે ખોળને બી માની લઈએ છીએ. તેનામાં અંકુર ફૂટી શકવાની શક્યતા જ બંધ થઈ જાય છે અને ખોળ ઉપર આધાર રાખશે તે કદી વૃક્ષ નહીં બની શકે. અંકુરને ફૂટવા માટે ખોળને મટી જવું પડે છે. ગળી જવું પડે છે. ઉપરની ખોળ જયારે તૂટે છે ત્યારે જ અંકુર ફૂટીને બહાર નીકળે છે અને અંદરથી એક વટવૃક્ષની સંભાવના સાથે અંકુર બહાર આવે છે.

શરીર એક ખોળ છે અને ચેતના આત્મા એક અંકુર સમાન છે. પણ આપણે આ ખોળને જ બી સમજી નષ્ટ થઈ જઈએ છીએ. એ અંકુર ઉપર સુધી પહોંચે એ પહેલાં આપણે વિદાય થઈ જઈએ છીએ. ખરેખર તો અંકુર ફૂટે પછી જ યાત્રા શરૂ થાય છે અને અંકુરમાંથી આગળ નીકળી વૃક્ષનું રૂપ ધારણ થાય છે. માણસ જ્યાં સુધી બીના રૂપમાં છે ત્યાં સુધી વૃક્ષ થવાની સંભાવના છે કે અંકુર ફૂટે અને વટવૃક્ષ થાય અને આને કોઈ આત્મા કહે, પરમાત્મા કહે, જે કહે તે પણ આમાંથી જ એક જયોત બીજી જ્યોતમાં ભળી જાય છે.

બી શું જાણે કે એની લીલીછમ્મ ડાળી નીકળશે. તેમાંથી લીલાછમ્મ પાન આવશે અને ફૂલ ખીલશે. સૂરજનાં કિરણ નાચશે. બીને શું ખબર કે એના ઉપર પંખીઓ ગીત ગાશે. મુસાફર એની છાંયમાં વિશ્રામ કરશે.

માણસ આ બધું જાણતો નથી, કારણ કે બીને જ પૂર્ણતા સમજી બેઠો છે. એની ખોળ તોડવાનો પુરુષાર્થ નહીં કરે ત્યાં સુધી અંકુર બહાર નહીં ફૂટી નીકળે અને અંકુર નહીં ફૂટે ત્યાં સુધી સત્યની પ્રાપ્તિ કેમ થાય? વટવૃક્ષ કેમ થાય? બસ, આપણે તો પુરુષાર્થ કરવાનો છે. ફળ આપોઆપ આવશે.