૧: ૬૦ - “એક શબ્દ જિંદગીનો રાહ બદલી નાખે છે”

એક વખત એક અમેરિકન કરોડપતિ રસ્તે જતો હતો. ત્યાં તેણે એક ચિત્રકારને પગ ઉપર પગ ચડાવીને બેઠો જોયો. ચિત્ર અધૂરું પડ્યું હતું અને ચિત્રકાર પગ ઉપર પગ ચડાવીને લાંબો થઈને આરામથી બેઠો હતો. કરોડપતિએ જોયું કે ચિત્ર અધૂરું છે પણ બહુ જ મધૂરું છે. જો એ પૂર્ણ થઈ જાય તો કેટલું કિંમતી થઈ જાય. એને વિચાર આવ્યો કે આ ચિત્રકાર આ ચિત્ર પૂરું કરે તો કમ સે કમ ૫૦ હજાર રૂપિયામાં વેચાઈ જાય. કરોડપતિ ચિત્રકાર આગળ જઈને સમજાવે છે કે, ભાઈ તું ચિત્ર પૂરું કર. તારા ચિત્રની ૫૦ હજાર સુધી કિંમત આવશે. તારા જેવો કલાકાર આમ પગ ઉપર પગ ચડાવીને બેસે એના કરતાં ચિત્ર પૂરું કરી નવું ચિત્ર બનાવી પૈસા કમાવા માંડી અને જો તું મારા કહ્યા પ્રમાણે કરીશ તો એક દિવસ તું પણ મારા જેવો કરોડપતિ બની જશે અને પછી જો તારી પાસે મારા જેવી મરસીડીઝ ગાડી હશે. બંગલા હશે અને જો વધારે મહેનત કરશે તો એક દિવસ તને પરણવા માટે કન્યાઓની લાઈન લાગશે.

ચિત્રકારે પૂછ્યું, પછી? પછી પગ ઉપર પગ ચડાવીને આરામ કરજે.

ચિત્રકાર બોલ્યો, તો અત્યારે હું શું કરું છું?

અત્યારે પણ હું સુખથી પગ ઉપર પગ ચડાવીને જ બેઠો છું ને?

મારી જરૂરિયાત જેટલા રૂપિયા હું ચિત્ર બનાવીને કમાઈ લઉં છું. મને વધારે કમાવાની હવસ નથી. હવસ ક્યારેય પણ માનવીની પૂરી થતી નથી અને એ ક્યારેય જીવનમાં પગ ઉપર પગ ચડાવીને બેસી શકતો નથી. મારે ત્યાંથી ચિત્ર લઈ જનાર ઘણા કરોડપતિને મેં જોયા છે. મારા ચિત્રો જોઈને મોઢે માંગ્યા દામ ચૂકવી જાય છે. એને ચિત્ર જોયા પછી જે આનંદ આવે છે એવો આનંદ એને પોતાની જિંદગીમાં આવતો નથી, કારણ કે એની અસંતોષની આગ એને પગ ઉપર પગ ચડાવીને બેસવા દેતી નથી.

ચિત્રકારની વાત સાંભળી કરોડપતિ ઘડીભર માટે સ્તબ્ધ થઈ ગયો. ન જાણે એ વર્ષોથી રૂપિયા કમાવવાની પાછળ દડતો હતો અને વિચારતો હતો કે હમણાં થોડા જ વર્ષમા મારી ઇચ્છા પૂરી થઈ જશે. એટલે આરામથી પગ ઉપર પગ ચડાવીને બેસીશ. પણ એ ઘડી કદી આવી જ નહિ. હજુ થોડા વધારે કમાઈ લઉં. હજુ થોડા વધારે કમાઈ લઉં એની લાયમાં અને લાયમાં જિંદગી પૂરી થવા આવી. આજ ચિત્રકારની વાત સાંભળી એના મનના દ્વાર ખૂલી ગયાં. ગાડીનો દરવાજો બંધ કરતાં કરતાં બોલતો ગયો કે

ચિત્રકાર તું ચિત્રકાર નથી 

પણ અનોખી માટીનો ઓલિયો છો”