ગંગા કિનારે એક નાનું એવું ગામ હતું અને એ ગામમાં એક પંડિત રહેતો હતો. આ પંડિત આજુબાજુ ગામમાં બહુ જ પ્રખ્યાત. લોકો દૂરદૂરથી એની આગળ ધર્મચર્ચા કરવા આવે. કોઈપણ ધર્મના ગૂંચવાડા ભરેલ પ્રશ્ન હલ કરવા માટે આ પંડિત પ્રખ્યાત. એક વખત... આ નદીના બીજા કિનારે ત્રણ ફકીર નાનું ઝૂંપડું બાંધીને રહેવા આવેલ. થોડા જ દિવસોમાં આ ત્રણે ફકીર આગળ માણસોની લાઈન લાગવા માંડી અને પેલા પંડિત આગળ માણસો ઓછા થવા લાગ્યા. પંડિતને ઇર્ષા થવા લાગી કે અત્યાર સુધી માણસો કંઈ પણ તકલીફ હોય તો મારી સલાહ લેવા આવતા. હવે એકદમ બંધ થઈ ગયા અને પેલા આગળ જવા લાગ્યા. એક દિવસ વિચાર આવ્યો કે લાવ આ ફકીરને મળી આવું. એનામાં વળી શું છે કે લોકો બધા ત્યાં ભાગે છે ! બીજા દિવસે એક હોડીવાળાને બોલાવી નદીને સામે કાંઠે જવા કહ્યું. હોડીવાળો પંડિતને નદીને સામે કાંઠે લઈ ગયો. પંડિત સીધો પેલા ત્રણ ફકીરની પાસે જાય છે. પહેલાં તો ફકીરને જોઈને મનમાં ખુશ થાય છે કે આ તો ગામડાના ગમાર જેવા દેખાય છે. આમાં શું જ્ઞાન હશે ? વિચાર કરીને પંડિતે ફકીરને પૂછ્યું કે તમને શાસ્ત્રનું શું જ્ઞાન? ઈશ્વરની પ્રાર્થનામાં તમે શું બોલો છો? પેલા ફકીરો તો બિચારા સીધા સાદા હતા. એ બોલ્યા અમે કંઈ શાસ્ત્ર જાણતા નથી. અમે તો પ્રાર્થનામાં ભગવાનને કહીએ છીએ કે, પ્રભુ તમે પણ ત્રણ અને અમે પણ ત્રણ.
તમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ એમ અમે પણ ત્રણ. આ છે અમારી પ્રાર્થના. પંડિત તો પંડિત હતા, ફકીરને કહે છે, ભાઈ આવી પ્રાર્થના ન હોય. હું તમને શાસ્ત્રયુક્ત પ્રાર્થના સમજાવું અને પંડિતે લાંબી શાસ્ત્રયુક્ત પ્રાર્થના પેલા ફકીરોને સંભળાવી. ફકીર સાંભળીને કહે છે, પંડિતજી તમારી પ્રાર્થના એટલી લાંબી છે કે અમે ભૂલી ગયા. બીજીવાર સંભળાવો. પંડિતે બીજીવાર સંભળાવી. પાછા ફકીર કહે છે કે હજુ એક વાર સંભળાવો. બરાબર સમજાઈ જાય. પંડિતે ત્રીજીવાર સંભળાવી. પંડિત મનમાં ને મનમાં ખુશ થવા લાગ્યો કે મેં ત્રણેને ઠેકાણે પાડી દીધા. આ બુધ્ધ જેવા ફકીરો માણસોને ખોટા ભરમાવે છે.
પંડિતે ફકીરોને રામરામ કરી, હોડીમાં બેસી પાછો ફર્યો. પંડિતની હોડી ગંગાના અધ્ધવચ્ચે પહોંચે છે ત્યાં પેલા ત્રણ ફકીર પાણી ઉપર ચાલતા ચાલતા આવતા જોયા. પંડિત આ દશ્ય જોઈને પૂજવા લાગ્યો. શાસ્ત્રોમાં વાંચ્યું હતું કે ફકીર પાણી ઉપર ચાલી શકે પણ આંખે પહેલી વાર જોયું. પંડિતને ગભરાયેલ જોઈને હોડીવાળાએ પંડિતને કહે છે કે તમે ધૂજો છો કેમ? હોડીવાળાને પણ ફકીરને જોઈને ડર લાગેલ પણ પંડિતને ડરતા જોઈને પંડિતને કહે છે કે તમે તો પંડિત છો. તમે તો બધું જાણો છો. છતાં પણ કેમ ધૂજો છો? પંડિતે કીધું ભાઈ જો શાસ્ત્રમાં વાચ્યું છે પણ મને એનો અનુભવ નથી કે માણસ પાણી ઉપર ચાલી શકે. બન્ને આટલી વાત કરે છે ત્યાં તો ત્રણે ફકીર હોડી ઉપર આવીને ઊભા રહે છે, અને પંડિતને વિનંતિ કરે છે કે તમે જે પ્રાર્થના શીખવેલ એ અમે ભૂલી ગયા છીએ. ફરી એકવાર પ્રાર્થના શીખવો. પંડિત ગભરાતા ગભરાતા કહે છે કે ભાઈ તમે જે પ્રાર્થના કરો છો એ જ સાચી પ્રાર્થના છે. મારી પ્રાર્થનામાં દમ નથી. એ તો નપુંસક છે. આટલું કહીને પંડિત પેલા ત્રણે ફકીરના પગમાં પડી જાય છે એ કહે છે કે ભાઈ મને શાસ્ત્રનું માત્ર જ્ઞાન છે પણ અનુભવ નથી. પોપટની જેમ બોલી શકું છું પણ સત્યને હું જાણી શકતો નથી. તમે મારા આજથી ગુરુ. આટલું કહીને ત્રણ ફકીરને વિદાય આપે છે. પંડિતને પોતાની પંડિતાઈનો અહંકાર ઓગળી ગયો.
સારાંશ : “જીવનમાં કરશો નહીં પંડિત બની પંડિતાઈ,
ઝાઝું ન કહેતા, ભૂલશો નહીં માણસાઈ.