આપણે દરેક ધર્મમાં તેમના ધર્મગુરુની પુણ્યતિથિ જન્મજયંતિ વગેરે ઉજવીએ છીએ. ઘણા લોકોને હવે એ ગમતું નથી. ઘણા વિચારે છે કે આ આરંભ-સમારંભ છે. ઘણા વિચારે છે કે જરૂરી છે. આમ બધા લોકો પોતપોતાના મંતવ્યો રજૂ કરે છે પણ ખરેખર નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, સમજપૂર્વક જો કોઈ કામ થતું હોય તો એનો આશય શુભ જ હોય છે. આજે આપણે બુદ્ધજયંતિ, મહાવીર જયંતિ, ગાંધીજયંતિ વગેરે ઉજવીએ છીએ. એ પાછળનું કારણ કે સમય જતાં આપણે આવા મહાન આત્માને ભૂલી ન જઈએ અને આવું બધું નહીં કરીએ તો તેઓને ભૂલી જતા વાર નહીં લાગે, કારણ કે માણસનું મન સમય જતાં બધું જ ભૂલી જાય છે. આપણે ઘેર યુવાનનું મૃત્યુ થયું હોય તો એ પણ ભૂલી જઈએ છીએ, તો ગુરુભગવંતને ભૂલી જતાં શું વાર લાગે?
અમેરિકામાં એક કરોડપતિ થઈ ગયો. ઘણી બધી ફેક્ટરી અને દરેક ફેક્ટરીમાં ઘરની જરૂરિયાતવાળી વસ્તુ બનાવે, કોઈકમાં સાબુ, કોઈકમાં ટુથપેસ્ટ, કોઈકમાં વેજીટેબલ ઘી વગેરે. એક વખત એક ટી.વી. ચેનલના ડાયરેક્ટરને ખબર પડી કે આ કરોડપતિની બધી વસ્તુ હું દરરોજ વાપરું છું પણ આ માણસ કોઈ દિ Tv. ઉપર જાહેરાત આપતો નથી. એટલે એણે વિચાર કર્યો કે ચાલ એક સેલ્સમેનને મોકલી જાહેરાત લઉં. બીજા દિવસે બધા સેલ્સમેનને બોલાવી વાત કરું કે આપણે બધા જીવનજરૂરિયાતની જે ચીજ વાપરીએ છીએ એ ફેક્ટરીવાળાની જાહેરાત કોઈ દિ આપણા આગળ આવતી નથી, તો હવે આપણામાંથી એક સેલ્સમેનને હું મોકલવા માંગું છું. કોણ તૈયાર થાય છે. એક યુવાન તૈયાર થયો. બોસને કહે છે કે હું જરૂર એની જાહેરાત લઈ આવીશ. આ સેલ્સમેન એક દિવસ પહેલાં કરોડપતિની ઑફિસમાં સવાર-સવારમાં પહોંચી ગયો. કરોડપતિનાં ખૂબ ખૂબ વખાણ કર્યા. એની પ્રોડક્ટના પણ બહુ જ વખાણ કર્યા. વખાણ કોને ન ગમે ! આખરે કરોડપતિને કીધું કે તમારો માલ આટલો સારો છે તો તમે જાહેરાત કેમ નથી આપતા? પેલો કરોડપતિ બોલ્યો કે, મારો માલ જ એટલો સારો છે કે મારે જાહેરાત આપવાની જરૂર જ નથી. માલ તમારો સારો છે એટલે જ કહું છું. જો જાહેરાત આપશો તો તમારું વેચાણ ડબલ થઈ જશે. ભાઈ જેટલો માલ હું બનાવું છું. એ બધો માલ વેચાઈ જાય છે. તો પછી જાહેરાતનો ખર્ચ કરવાની શું જરૂર? ભાઈસાહેબ જાહેરાત કરશો તો તમારી પેઢીની પેઢી સુધી તમારો ધંધો તમારા નામ ઉપર ચાલશે. પેલો કરોડપતિ ટસના મસ ન થયો. આમને આમ સાંજ પડી ગઈ. એટલામાં દૂરથી એક ઘંટનો અવાજ આવ્યો. સેલ્સમેન બહુ ચબરાક હતો. એને પૂછ્યું કે, સાહેબ આ અવાજ ક્યાંથી આવે છે ? પેલાએ જવાબ આપ્યો કે દૂર એક મંદિર છે. ત્યાં આરતીનો સમય થયો છે એટલે ઘંટ વગાડે છે.
સાંભળો ભગવાન પણ જાણે છે કે આરતીના સમયે હું ઘંટ નહીં વગાડું તો માણસો મને પણ ભૂલી જશે. ભગવાનને પણ યાદ રાખવા સમયે સમયે ઘંટ વગાડવો પડે છે તો તમારા પ્રોડક્ટની પણ વારંવાર જાહેરાત નહીં આપો તો લોકો પણ તમારા પ્રોડક્ટને ભૂલી જશે. કરોડપતિને વાત એકદમ મગજમાં બેસી ગઈ અને સેલ્સમેનને એક કોરો ચેક આપી કહ્યું કે, જો જેટલી જાહેરાત આપવી હોય એટલી મારી કંપનીની જાહેરાત કાલથી શરૂ કરી દે.
બસ જીવનમાં આપણે હરેક વાતને સમય જતાં ભૂલતાં જઈએ છીએ અને કદાચ ભૂલી જવું એ પણ જીવન માટે જરૂરી હોઈ શકે અને આપણે ન ભૂલી જઈએ એટલે જ ભગવાનને ઘંટ વગાડીએ છીએ એમ આપણા સંસારના બધા પ્રસંગો પણ એટલે જ ઉજવાતા હશે...