૧: ૫૭ - નકલને અક્કલ નહીં

જે વ્યક્તિ નકલ કરે છે એને અક્કલ ચલાવવાની હોતી નથી, બીજાની બુદ્ધિ પ્રમાણે પોતે પણ બુદ્ધિશાળી છે. એમ બતાવવા કોશિશ કરે છે. પણ આવી નકલ ઝાઝો સમય ચાલતી નથી.

નારદના બાપા મોટા વૈદ હતા. ગામ આખામાં એના જેવા કોઈ વૈદ નહીં. માણસની નાડી જોઈને દરદનું તુરત નિદાન કરી દે. વૈદને ખબર હતી કે મારો દીકરો “નારદ” વેદ બની શકે એટલો હોશિયર નથી છતાં પણ એ પોતાની સાથે શીખડાવવા લઈ જતા.

એક વખત વૈદરાજે એક દરદીની નાડ જોઈને કીધું કે તમે કેળાં ખાવાનું બંધ કરજો. કેળાં તમારા સ્વાથ્ય માટે નુકસાનકારક છે. નારદને આશ્ચર્ય થયું કે કેળાને નાડને શું સંબંધ. બાપાએ નાડ જોઈને દર્દીને કેળાં નહીં ખાવાનું કીધું ! નારદે બાપાને પૂછ્યું, પિતાશ્રી તમે હાથની નાડી જોઈને કઈ રીતે કીધું કે કેળાં ખાવાનું બંધ કરજો. કેળાં અને નાડીને શું સંબંધ?

વૈદે કીધું કે બેટા આપણે કોઈ દર્દીને જોવા જઈએ ત્યારે આજુબાજુ જોવાનું. મેં એ દર્દીની નાડ જોતાં જોતાં બાજુમાં કેળાની છાલ પડી હતી. એટલે મેં કીધું, કેળાં ખાવાનું સ્વાથ્ય માટે સારું નથી.

થોડા દિવસ પછી પાછા વૈદરાજ નારદને લઈને બીજા દર્દીને જોવા ગયા. દર્દીને કીધું, તમે હવે ચાલવાનું ઓછું કરો. ચાલવાનું તમારા માટે જોખમદાયક છે. ફરી નારદને સવાલ થયો કે બાપાએ આ દર્દીને ચાલવા માટે કેમ ન કીધી? ફરી બાપાને પૂછ્યું કે તમે દર્દીને ચાલવાની કેમ મનાઈ કરી? નાડને ચાલવા સાથે શું સંબંધ? સાંભળ મેં એની બાજુમાં પડેલ એના ઘસાઈ ગયેલ જૂતા જોયા અને આથી મેં તેને ચાલવાનું ઓછું કરવા કહ્યું.

થોડા દિવસ પછી ત્રીજા દરદીને જોવા જવાનું થયું ત્યારે નારદ બાપાને કીધું કે હું હવે નાડ જોઈને નિદાન કરીશ. તમે મારી બાજુમાં બેસજો. નારદે દર્દીની નાડી પકડીને કીધું, બહેન તમે બહુ ધાર્મિક છો. મંદિરમાં જવાનું બંધ કરી દો. પેલી સ્ત્રી માની ગઈ. હા વૈદરાજ, હવે હું મંદિરમાં નહીં જાઉં. વૈદને બહુ આશ્ચર્ય થયું. નારદને વૈદરાજે પૂછ્યું, બેટા, તે કઈ રીતે પેલી સ્ત્રીને કીધું કે મંદિરે જવાનું બંધ કરી દે અને પેલી સ્ત્રી માની પણ ગઈ. નારદે કીધું કે બાપા તમારી જેમ મેં આજુબાજુ જોયું. તો પલંગની નીચે એક સાધુ છૂપાયેલ હતો અને આથી મેં નિદાન કર્યું કે મંદિરે જવાનું બંધ કરે.

આમ “નારદ”ની નાસમજીથી પણ થોડાઘણા દરદી સાજા થયા પણ આખરે “નારદ” વૈદ ન થઈ શક્યો. વૈદ બનવા માટે અંદર નાડ પારખતા પણ આવડવી જોઈએ. નકલ કરવાવાળાને અક્કલ હોતી નથી.