એક વખત એક નગરના રાજાને વિચાર આવ્યો કે મારી પ્રજાનું હું કેટલું બધું ધ્યાન રાખું છું અને પ્રજા પણ મારાથી બહુ ખુશ છે. જયારે જયારે હું નગરમાં નીકળું છું ત્યારે ખમા-ખમા, વાહ વાહ આવા ઉદ્ગાર કાઢી મારું બહુ માન કરે છે. રાજાએ આ વાત મંત્રીને કરી કે લોકોમાં મારી કેટલી નામના છે. લોકો મને બહુ ચાહે છે. મંત્રી બહુ ચાલાક હતો અને ખરેખર રાજા કરતાં મંત્રી વધારે હોંશિયાર હોય છે. મંત્રીએ રાજાને કીધું કે તમારી “વાહવાહ” લોકો કરે છે પણ મોઢે વાહવાહ કરતા હોય. એના ઉપર બહુ વિશ્વાસ ન રાખવો. જો તમારે ખરેખર અનુભવ કરવો હોય તો આજ રાતે આપણે નગરચર્યામાં નીકળીએ અને જોઈએ કે તમને નગરજનો કેટલા પ્રેમ કરે છે. એ લોકોની વાતો સાંભળી તમને ચક્કર આવી જશે.
રાજાએ બીજે જ દિવસે નગરચર્યા કરવાનું મંત્રી સાથે નક્કી કર્યું. બીજે દિવસે રાતના બાર વાગે બંને નીકળ્યા, અંધારામાં કોઈ ન દેખે એમ એક શેરીમાં એક મકાનની બાજુમાં જઈને ઊભા રહ્યા. મકાનમાં બે માણસો વાતો કરતા હતા કે આપણો રાજા બહુ લોભી છે. રાજાને દીકરાદીકરી નથી. શા માટે બધું ભેગું કરે છે? આપણા આગળથી આટલા કરના રૂપિયા ભેગા કરી શું કરશે, મરશે ત્યારે ભેગા લઈ જશે? “લોભને થોભ ન હોય” આવી વાતચીત સાંભળી રાજા નિરાશ થઈ ગયો. મેં પ્રજા માટે આટલું કર્યું અને પ્રજા મારે માટે આવું બોલે છે.
ફરી આગળ વધતાં બીજી શેરીમાં ગયા ત્યાં ઘરમાં ચાર-પાંચ માણસો વાતમાં મશગુલ હતા. રાજા તથા મંત્રીએ દીવાલ સાથે કાન રાખી વાત સાંભળી કે આપણો રાજા અક્કલ વગરનો છે. જો અક્કલ હોત તો તેની હયાતીમાં જ આપણને દાન-પુણ્ય ન કરત. રાજાના ગયા પછી છે કોણ? વંશવારસ તો છે નહિ.
હજુ રાજાને સંતોષ ન થયો. એને થયું કે એકાદ ઘરમાં હજુ શું મારા માટે બોલે છે. એ સાંભળું. આવું વિચારી એ આગળ જાય છે અને એક જૂનાપુરાણા ઘરમાં બે ઓંનો વાત કરતી હતી કે આપણા રાજાને ન્યાય કરતાં જ નથી આવડતું. જે માણસ ખૂની હતો એને છોડી દીધો અને નિર્દોષને સજા આપી.
રાજા આ બધું સાંભળી મંત્રીને કહે છે, ચાલ હવે બહુ થયું. વધારે મારે સાંભળવું નથી. બીજે દિવસે રાજાએ મંત્રીને કીધું કે હવે હું આખું રાજ રાણીને સોંપી સંન્યાસ લઈ, જંગલમાં જવા માંગું છું અને રાજા સાધુ બની જંગલમાં નીકળી ગયો.
એક દિવસ જંગલમાં રાજાને વિચાર આવ્યો કે નગરીમાં જઈને જોઉં કે હવે લોકો મારા માટે શું બોલે છે? રાતના અંધારામાં રાજા નગરમાં પ્રવેશ કરે છે અને પહેલો જે મકાનમાં સાંભળવા ગયેલ, ત્યાં જ જઈને સાંભળે છે. એ જ માણસો જે રાજા માટે હવે કહેતા હતા કે રાજાને દીકરા ન હતા એ જાણું પણ રૈયતને આમ રાણીને હવાલે, બૈરાંને સોંપીને નીકળી જવું યોગ્ય ન કહેવાય. આ તો ના સમજની વાત છે. બીજા પ્રેરે સાંભળ્યું કે રાજા ને રાણી સાથે ભળતું નહિ. એટલે સંન્યાસ લઈ લીધો. ત્રીજે ઘેર જઈને સાંભળે છે કે ખરેખર આપણે કહેતા હતા ને રાજામાં અક્કલ નથી. ખરેખર એ સાચું જ હતું. નહીં તો કોઈ માણસ આવું સુખ છોડીને સંન્યાસ લે ખરા? જુઓ, આ ન સમજી શકાય એવી માણસના મનની વાતો.