૧: ૫૧ - “માણસ દેખાય છે એવો હોતો નથી”

મારા એક મિત્ર મનુની પત્ની ગુજરી ગઈ એટલે એ બહુ ઉદાસ રહેવા લાગ્યો. હું એને મળવા ગયો એટલે છાતી પીટી પીટીને રોવા લાગ્યો. આપણને માન્યામાં ન આવે કે આવી વ્યક્તિ છાતી પીટીપીટીને કેમ રોઈ શકે ? આખી જિંદગીભર એની પત્ની સાથે ઝઘડો કરતો રહેતો હતો. એને અચાનક આટલો પત્ની પ્રેમ કેમ ઉભરાઈ ગયો? મન થયું કે લાવ પૂછી જોઉં કે તું આટલો બધો કેમ રુએ છે? મારાથી જોવાતું નથી. આખરે મેં પૂછ્યું કે મનુ તારી મા મરી ગઈ ત્યારે તું આટલું રોતો નો'તો અને તારી પત્ની ગુજરી ગઈ તો આટલું આકંદ કેમ કરે છે?

સાંભળ ભાઈ! મારી મા ગુજરી ગઈ ત્યારે આજુબાજુ પાડોશીઓની બહેનો આવી ને કહેતા હતા કે “મનુ” રો મા. અમે તારી મા જેવા જ છીએ. જરૂર પડે ગમે ત્યારે બોલાવજે. પિતાની ગુજરી ગયા ત્યારે આજુબાજુના ભાઈઓ આવીને કહેતા, “મનું તું ફિકર ન કરતો. અમે તારા પિતા સમાન જ છીએ. કાળી રાત્રે કામ હોય તો બોલાવજે. તું બિલકુલ ગભરાતો નહિ.”

હવે મારી પત્ની ગુજરી ગઈ તો કોઈ બહેનો આવીને કહેતી નથી કે મનુ ગભરાતો નહિ. અમે તારી પત્ની જેવા છીએ. જે કામ હોય તે કહેજે. સમજવાનું કે માણસ કેવા કેવા વિચાર કરતો હોય છે. જે દેખાય છે એવું હોતું નથી અને જે હોય છે એવું દેખાતું નથી. “કોકની ડાયરી એ મારી તમારી સૌની જીવનકથા.”