૧: ૫૦ - “પરિગ્રહ”

પંખી એક એક તણખલું ભેગું કરી માળો બનાવે છે અને પોતાનાં ઈંડાં સેવે છે. આમ ને આમ ઈંડામાંથી બચ્ચાં બની ગેલ કરતાં કરતાં. સમય પસાર થઈ જાય છે અને આસ્તે આસ્તે પંખીને માળો એટલો બધો ગમવા લાગે છે કે એનું મમત્વ એનાથી છૂટતું નથી તો પણ એક દિવસ માળો વેરવિખેર થઈ જાય છે. આ એક કડવું સત્ય છે. ગમે તેટલો માળાને પ્રેમ કરે કે માળામાં રહેલ બચ્ચાને પ્રેમ કરે પણ સમય જતાં બધું જ છૂટી જાય છે. બચ્ચાંઓ પાંખ આવતાં ઊડી જાય છે અને માળો હવાની થપાટો ખાઈ ખાઈ એક દિવસ વેરવિખેર થઈ જાય છે.

બસ, સંસાર પણ આ પંખીના માળા જેવો જ છે. માનવી રૂપિયો રૂપિયો ભેગો કરી ઘર બનાવે છે. બાળબચ્ચાં મોટાં કરે છે અને એક દિવસ એવો આવે છે કે બાળકો મા-બાપને છોડી બીજે રહેવા ચાલ્યાં જાય છે. જેમ પંખીને બચ્ચાંઓ ઊડી જતાં માળો સૂનો સૂનો લાગે તેમ માણસને પોતાના પરિવારના સભ્યો અલગ પડતાં સંસાર સૂનો સૂનો લાગે. બચ્ચાંઓ જ્યારે પોતે મા-બાપ બને છે ત્યારે તેના બચ્ચાંઓ એને છોડીને જાય છે ત્યારે તેને પોતાના મા-બાપની વેદનાનો અહેસાસ થાય છે પણ ત્યારે બધું ઘણું મોડું થઈ ગયેલ હોય છે.

પંખી આગળ તો ગગનમાં વિહરવા માટે ખુલ્લું આકાશ છે પણ છતાંય માળાની મમતા તેનાથી છૂટતી નથી. આમ જ મનુષ્યને પણ ઘરની મમતા છૂટતી નથી કે નથી છૂટતી બાળકોની (દીકરા-દીકરી) મમતા અને મમતા માણસને દુઃખના સાગરમાં ધકેલી દે છે. જીવનભર બધાં જ દુઃખોને સહન કરનાર આ દુ:ખ સહન ન થતાં છેલ્લે હારીને સંસારને અલવિદા કરે છે. થોડા ઘણા જ એવા સર્ભાગી હશે જેણે સંસારની આ ન કળી શકાય એવી પરિસ્થિતિમાં પોતાની જાતને બચાવી જીવનની સાચી હકીકતને સ્વીકારી જીવનને ધન્ય બનાવ્યું હશે અને ભગવાન મહાવીર આને જ પરિગ્રહ કહે છે. જેને તમે તમારું માનીને બેસો છો એ તમારું છે નહિ. આ ભૂલને જ્યારે તમે સમજી જાઓ છો ત્યારે સત્યને ઓળખો છો. પંખી તો અબોલ પ્રાણી. કદાચ ન સમજીને માળામાં મમત્વ રાખે પણ મનુષ્ય તો બુદ્ધિશાળી છે. મન આપેલ છે પણ જાણવા છતાં ઘરનું મમત્વ છૂટતું નથી અને એક દિવસ ના છૂટકે આ ઘરબાર, માલમિલ્કત, બંગલાગાડી બધું જ છોડી લાંબી યાત્રાએ નીકળી જવું પડે છે. આ બધા પરિગ્રહ છોડી જીવનને ધન્ય બનાવશું તો આખરે શાંતિની ઝલક જરૂર પામશું.