૧: ૪૯ - “આજનો જ્ઞાની પોતાના જ્ઞાનના ભારથી દબાઈ ગયો છે”

વર્ષોથી કંઈક જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મહત્ત્વકાંક્ષાનો વર વર્ષો સુધી તપતો રહ્યો. સાધુવેશનાં વસ્ત્રો ભાળી મનમાં દોટ શરૂ થતી. નાનપણથી જ સાધુપણા ઉપર કંઈક જાણવાની, ઉત્કંઠા, કોઈ અગમ્ય શક્તિ જાણે આ માટે ખેંચતી હોય તેવું ભાસે. સાધુની પંડિતાઈ જોઈ તેઓનો શાસ્ત્રો ઉપરનો પ્રેમ જોઈ તેમનું વાણી ચાતુર્ય જોઈ એમ લાગે કે જીવનમાં એણે જે મેળવ્યું છે એ હું મેળવીશ. હું પણ બીજાને પ્રભાવિત કરી મારી જાતને અહંકારની ભાવનાથી ભરી દેતો.

પણ સમયની સાથે બધું જ જ્ઞાન થાય છે. મને પણ લાગવા માંડ્યું કે જગતની આ વિશાળતામાં કેટલું બધું વિવિધતાથી ભરેલ છે અને આ સાગર જેવા જ્ઞાનના ભંડાર સરખા સંસારમાં આપણે પાણીના એક બુંદ જેવા પણ જ્ઞાની બનવાને સમર્થ નથી. આ વિશાળ વટવૃક્ષનો આપણે એક પાન જેટલો હિસ્સો પણ ન બની શકીએ. જેમ જેમ તમારો અભ્યાસ વધતો જાય તેમ તેમ તમને તમારી અજ્ઞાનતાનું ભાન વધતું જાય અને જિંદગી આ માયાજાળમાં પૂરી ખોવાઈ જાય. જિંદગીભર આધ્યાત્મિકતામાં દોડતા રહો તો પણ છેલ્લે જાણે ક્યાંય પહોંચ્યા ન હો તેવું ભાસે. દેખાતા જગતને પણ પૂરું જોઈ નથી શકતા. તેનાથી અનેકગણું અદશ્ય જગત છે. શરીર અને મનનાં રહસ્યોને ઉકેલી શકતા નથી અને આત્મા-પરમાત્માની ફિલોસોફીની વાતો કરતા થાકતા નથી અને આમ ને આમ જિંદગીમાં વર્ષો વેડફી નાખીએ છીએ.

જ્ઞાનની દિશામાં પાગલની જેમ દોડતો માણસ પંડિત જરૂર બની જાય છે પણ જેમ જેમ માણસ પંડિત બનતો જાય છે તેમ તેમ અહંકાર મજબૂત બનતો જાય છે. અહંકારનું કવચ એટલું મજબૂત થતું જાય છે કે માણસ એને તોડવા ધારે તો પણ એ પોતે જ સર્જન કરેલ કવચને તોડી શકતો નથી. જેમ બધાને જોઈ શકતી આપણી આંખ આપણને જ જોઈ શકતી નથી તેમ શોધનાર પોતાને કઈ રીતે શોધી શકવાનો.

અહંકાર એ બહારની આંખ છે. અહંકાર હટે તો બહારની આંખ ખૂલે. બહારથી આપણે મહોરાં પહેરીને જીવીએ છીએ. એ મહોરાં ઉતાર્યા વગર અંદરના દર્શન થતાં નથી.

ડુંગળીનાં ફોતરાં ઉતારતાં ઉતારતાં જેમ છેલ્લે કંઈ બચતું નથી એ જ રીતે વ્યક્તિ ઉપર જે નશો નામનો, પદનો, પ્રતિષ્ઠાનો, અહંભાવનો એ ઊતરતાં ઊતરતાં જે બચે છે એ સત્ય એ જ મહાશૂન્ય અને મહાશૂન્ય એજ ખરું સ્વરૂપ.

જ્ઞાની વ્યક્તિ બહારથી મળતા માન-પાન અહંકારને પોષે શબ્દોથી પોતાનું અંદરનું બોદાપણું જોવાનો અવકાશ ગુમાવી બેસે છે.

અત્યારના યુગમાં આગળ જ્ઞાન મેળવવા માટે જેટલો અવકાશ છે તેટલો અવકાશ પહેલાના યુગમાં ન હતો પણ જ્ઞાન વધે તેમ શાંતિ વધવી જોઈએ. આનંદ અને ઉત્સાહ વધતો જોઈએ. પણ આજે શાંતિની જગ્યાએ અશાંતિ, ટેન્શન અને અસલામતીના ભાવો વધતા જાય છે.

એટલે જ આજનો જ્ઞાની કહેવાતો માણસ પોતાના જ જ્ઞાનના ભારથી દબાઈ ગયો છે.