૧: ૪૩ - “મા એ મા”

એક વખત એક યુવાન દંપતી જૂહુના દરિયાકિનારે ફરવા ગયેલ. રવિવારનો દિવસ અને દરિયાકિનારે ખૂબ જ ભીડ. આ ભીડની અંદર આ દંપતીનો ત્રણ-ચાર વર્ષનો પુત્ર સાથે સાથે ચાલતાં અલગ થઈ ગયો. જયારે દંપતીએ પુત્રને જોયો નહિ ત્યારે બન્ને એકદમ હેબતાઈ ગયાં. પતિએ અહીં તહીં જોયું પણ ક્યાંય પુત્રનો પત્તો લાગ્યો નહિ. આખરે પત્નીને કહ્યું કે તું ઘેર ચાલ. હું તને ઘેર મૂકીને પોલીસ સ્ટેશને ફરિયાદ કરી આવું. પતિ ફરિયાદ કરીને ઘેર આવીને જુએ છે તો પત્ની ચોધારા આંસુથી રુએ છે. સુમસામ કંઈ બોલતી નથી અને રાત્રે જ રાખે છે. આ બધું જોઈને પતિ બહુ જ ચિંતાતુર થઈ ગયો. શું કરવું એ એને સમજાતું નહોતું. એટલી વારમાં પોલીસ આવે છે અને છોકરાને દંપતીના હાથમાં સોંપે છે. જેવો દીકરાને જુએ છે એવી મા દોડીને છાતીસરસી ચાંપીને બોલવા માંડે છે કે કયો હતો? બેટા તું કયાં હતો? હું તો તારી યાદમાં ગાંડી થઈ ગઈ છું. બોલતી જાય અને ગાલમાં ચૂમી લેતી જાય. મારો વ્હાલો મારો દીકરો એવું બોલતી બોલતી છાતીસરસો ચાંપતી જાય. બેટા તું ક્યાં ગુમ થઈ ગયો હતો. મારો તો જાન નીકળી ગયો હતો. પતિપત્નીના ભાવ જોઈને પોતાના જૂના દિવસોની યાદમાં ડૂબી ગયો. એની મા એને એકદમ યાદ આવી ગઈ.

પત્નીને કહે છે, જો સાંભળ. લે ઘરની ચાવી. હું જાઉં છું. પત્ની બોલી, મને મૂકીને તમે ક્યાં ચાલ્યા. પતિ બોલ્યો, અડધી કલાક તને તારો દીકરો ન મળતાં તું કેવી બેબાકળી થઈ ગઈ હતી. તારી વ્યથા મેં જોઈ તારું રુદન મેં સાંભળ્યું. તારો પુત્રપ્રેમ મેં જોયો અને મને થયું કે એક માને પોતાનો પુત્ર અડધી કલાક માટે છૂટો પડતાં આટઆટલું દુ:ખ થતું હશે ત્યારે જે માને પોતાનો દીકરો વર્ષો થયાં અલગ થઈ ગયો હશે તેના દુઃખની સીમા જ નહીં હોય. મને વર્ષો પહેલાં મારી “મા”થી વિખૂટો પાડી તું મને જબરજસ્તી મુંબઈ લાવી. હું મારા નાના શહેરમાં સુખી હતો પણ રૂપિયાની લાયમાં ને લાયમાં મુંબઈ જેવા શહેરમાં આવ્યા પણ માને કદી યાદ પણ ન કરી. બસ હવે બહુ થયું. હું તને ઘરની ચાવી સોંપી મારી મા આગળ જવા માંગું છું. તારી ઇચ્છા હોય તો તું પણ છોકરા સાથે ચાલ. આજ તને આટલું કહેવાનું કારણ પણ – તારા ઉપર અનહદ પ્રેમ છે. એટલે કહું છું, કારણ કે મને તો એ વાતનું દુ:ખ છે કે જ્યારે તું મારા મા જેવડી હશે અને તારો દીકરો તને છોડીને ચાલ્યો જશે ત્યારે તું તારા દીકરા વગર કેમ જીવી શકીશ. બસ, એટલે જ મારા દીકરા ઉપર પણ મારા જેવા સંસ્કાર ન પડે અને તને છોડીને ન જાય. એટલા માટે મેં નક્કી કર્યું છે કે મારી માના ખોળામાં માથું મૂકી મેં કરી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવા માંગું છું અને મારા જીવનનો થાક ઉતારવા માંગું છું. પત્ની પતિનો હાથ પકડી એટલું જ બોલી. ચાલો, તમે જ્યાં ત્યાં અમે પતિ-પત્નીના મુખ પર આનંદની લહેરખી ફરી વળી.