૧: ૩૯ - “સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી”

એક વખત એક ગામમાં એક માણસ બળજબરીથી બળદને ગળે રસ્સી બાંધી ખેંચી રહ્યો હતો, એ વખતે ત્યાંથી એક ફકીર નીકળ્યો. એણે જોયું કે પેલો માણસ બળદને જબરદસ્તીથી ખેંચી જતો હતો. આ જોઈને ફકીરે ગામના માણસોને પૂછ્યું કે પેલો માણસ બળદને ખેંચી રહ્યો છે કે બળદ પેલાને ખેંચી રહ્યો છે ! ગામમાં એક હોશિયાર માણસ હતો તેણે તરત જ જવાબ આપ્યો કે બાબા આમાં તો ખુલ્લે ખુલ્લું દેખાય છે કે માણસ બળદને ખેચે છે. છતાં પણ તમો પૂછો છો કે, માણસ બળદને ખેચે છે કે બળદ માણસને ખેંચે છે?

ફકીર આગળ એક કાતર હતી તેણે બળદને જે રસ્સી બાંધી હતી તે કાપી નાખી રસ્સી કાપતાં જ પેલો બળદ ઉલટી દિશામાં દોડ્યો, પેલો માણસ પણ બળદની પાછળ દોડ્યો. ફરી ફકીરે પૂછ્યું કે હવે કોણ કોની પાછળ દોડે છે ? ગામનો કહેવાતો હોશિયાર માણસ એક મિનિટ માટે ચૂપ થઈ ગયો. એ ફકીરનો ઈશારો સમજી ગયો. એણે શાંતિથી ફકીરને પૂછ્યું, બાબા તમે જ સમજાવો. તમે શું કહેવા માગો છો એ સમજાતું નથી, પણ તમારી વાતમાં કંઈક વજૂદ છે. તો સાંભળ બેટા, જે ખરેખર દેખાતું હતું તે ખરેખર સત્ય ન હતું અને જે નો'તું દેખાતું તે સત્ય હતું. સંસારની અંદર બધા જીવો એમ કહે છે કે વાસના અમને ખેંચે છે. પત્ની, પદવી, પદ બધા અમને પકડી રાખે છે. ગાડી બંગલા બધા બાંધી રાખે છે. જર, ઝવેરાત, જમીન જકડી રાખે છે. વાસ્તવમાં જે માણસ બળદને ખેંચતો હતો તે સત્ય લાગતું હતું, પણ ખરેખર એ સત્ય ન હતું. સત્ય એ છે કે વાસના માણસને ખેંચતી નથી પણ માણસનું મન વાસના તરફ ખેંચાય છે. આપણું મન જે બહારથી દેખાતું નથી, પણ અદશ્યમાં મન જ કામ કરે છે. મન વાસનાને ભરવા દોડતું હોય છે. એ એમ માને છે કે સંપત્તિ આવી જશે તો સમાજમાં મારું નામ થશે, સુંદર પત્ની મળશે તો જીવન સુખમય પાસ થશે, સારું રહેણાંક હશે તો ટાઢ તડકો કે વરસાદમાં આરામપૂર્વક રહી શકાશે, પણ ખરેખર જ્યારે આ બધું મળી જાય છે ત્યારે લાગે છે કે હું તો ખાલી ને ખાલી જ રહી ગયો એટલે જ મહાવીર અને બુદ્ધ જેવા રાજપાટ અને પત્ની બધું જ છોડી નીકળી ગયા.

ફકીરે કહ્યું કે માણસને જે દિવસે ખબર પડે છે કે અદશ્ય એવું આ મન જે જે પકડવા કોશિશ કરે છે અને અંતે હાથ તો કંઈ લાગતું નથી, સિવાય કે નિરાશા, કારણ કે વાસના આપણને પકડતી નથી પણ આપણે વાસનાને પકડીએ છીએ. આટલી નાની વાત જો સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય. મીઠાઈ કે'તી નથી કે મારો ઉપભોગ કરો. પણ મન નથી માનતું, માને છે કે આમાં મઝા છે અને અંતે દુઃખી થાય છે. સંપત્તિમાં સુખ છે એમ માનનાર આખર વિચારે છે કે આટલી બધી સંપત્તિ છે પણ મન બેચેન કેમ છે? પત્ની પુત્રમાં સુખ માનનાર આખર નિરાશામાં ડૂબી જાય છે. સત્ય સમજાઈ જાય તો મોડું ન કરશો. “સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી.”