એક વખત એક ગુરુ આગળ છ વિદ્યાર્થી ધર્મનો અભ્યાસ કરવા આવ્યા. અભ્યાસ પૂરો થતાં છ એ વિદ્યાર્થી ગુરુને વંદન કરી ગુરુ આગળ પોતપોતાના ગામ જવા રજા લેવા આવ્યા.
ગુરુએ પૂછ્યું કે તમે જતાં જતાં ગુરુદક્ષિણામાં શું આપશો? વિદ્યાર્થીઓ બોલ્યા કે ગુરુ તમે જે માંગશો એ આપવા માટે અમે તૈયાર છીએ.
ગુરુએ કહ્યું કે મારે કશું જોઈતું નથી પણ હું એક સવાલ પૂછું છું તમારામાંથી કોણ સાચો જવાબ આપે છે એ મારે જોવું છે.
મારો સવાલ છે કે “દુનિયામાં મુલાયમમાં મુલાયમ શું?”
પહેલો વિદ્યાર્થી જવાબ આપે છે કે ગુરુદેવ મુલાયમમાં મુલાયમ “રૂ”.
ગુરુએ હા કીધી નહીં, કારણ કે રૂમાં ગાંઠ પડે.
બીજા વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ગુરુદેવ મુલાયમમાં મુલાયમ “માખણ”.
ના માખણમાં ચીકાશ હોય.
ત્રીજાએ જવાબ આપ્યો “મખમલ”.
ગુરુ બોલ્યા આ પણ જવાબ ખોટો છે. મખમલ એકબાજુ મુલાયમ હોય પણ બીજી બાજુ કઠણ હોય.
ચોથાએ જવાબ આપ્યો “મા”નું હૃદય.
નહીં માનું હૃદય છે એ ભલે મુલાયમ લાગે પણ દીકરીને વળાવવા માટે આણાની તૈયારી કરતી હોય છે ત્યારે હૃદયને કઠોર કરીને એ તૈયારી કરે છે. એ સમજે છે કે જે દીકરીએ દસ-બાર વર્ષ ઘરમાં હાથ વાટકાના જેમ મદદ કરતી હતી તેને વળાવવાની છે.
પાંચમાએ જવાબ આપ્યો, પિતાનું હૃદય.
ગુરુ બોલ્યા આ પણ જવાબ બરોબર નથી. બાપ જયારે દીકરાને બહારગામ ભણવા મોકલે છે ત્યારે અગર તો પરણાવીને જુદો કરે છે ત્યારે હૃદય ઉપર પત્થર રાખીને જુદો કરે છે જેને જીવનભર સાથે રાખી પોતાના દુઃખમાં સહાયની આશા હોય એ અલગ થાય ત્યારે હૃદયને કઠોર કરવું પડે છે.
છઠ્ઠી વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો, ગુરુ જગતમાં ગુરુના હૃદય જેવું મુલાયમ કંઈ નથી. ગુરુને કંઈ સ્વાર્થ નથી તો પણ શિષ્યને સંસાર પાર ઉતરવાની ચાવી બતાવે છે. સંસારના કાદવમાંથી બહાર કાઢી જપતપ અને સાધનામાં ઊંડે સુધી લઈ જાય છે. ગુરુ ખુશ થયા ને બધાને વિદાય આપી.