૧: ૧૬ - કાવ્ય: “પાંચકડા”

આજના યુગમાં આપણે હરીફાઈમાં એટલા બધા આગળ વધી ગયા છીએ કે આપણે ભગવાન સામે પણ હરીફાઈ કરવા તૈયાર થઈ જઈએ છીએ પણ ભગવાનની સામે છેલ્લે આપણી હાર જ થાય છે. કાળા માથાનો માનવી ભલે ગમે તેટલી મહેનત કરે પણ છેલ્લે તો એ હારવાનો જ છે. કદાચ ભગવાન એક બાળકની જીદ પૂરી કરવા થોડી વાર હા માં હા કરે પણ છેલ્લે એક દાવ એવો ખેલે છે કે માણસના હાથ નીચે પડે છે. પ્રભુ તો પાચકડાની રમત રમાડે છે. બસ આ ખેલ હવે કાવ્યના રૂપમાં રજૂ કરું છું.

 

પાંચકડા

પ્રભુ આજ મારે પાંચકડા રમવા

પ્રભુ આજ મારે પાંચકડા રમવા..(૧)

 

- પહેલે પાંચકડે વાળ કર્યા ધોળા

ડાય લગાડીમે કેશ કર્યા કાળા...પ્રભુ (૨)

 

બીજે પાંચકડે બત્રીસી લીધી

ચોગઠું બેસાડી મેં સગવડ કીધી... પ્રભુ (૩)

 

ત્રીજે પાંચકડે ઝાંખપ દીધી

મોતિયો ઉતરાવી દૃષ્ટિ લીધી... પ્રભુ (૪)

 

ચોથે પાંચકડે બહેરાશ દીધી

મશીન બેસાડી મેં સગવડ કીધી.. પ્રભુ (૫)

 

પાંચમે પાંચકડે પગ મારા લીધા 

લાકડીને ટેકે મેં સગવડ કીધી... પ્રભુ (૬)

 

છકે પાંચકડે યમરાજ મૂક્યો 

જોઈ પ્રભુ હું થરથર ધ્રૂજયો... પ્રભુ (૭)

 

પ્રભુ મારે પાંચકડા નથી રમવા...

ગામડામાં જે નાનાં બાળકો પાચકડે રમતા હોય અને કોઈ નાનો બાળક એના પિતાને કહે કે ચાલો મારી સાથે રમો તો પિતા જાણીને બાળકને થોડીવાર માટે રમવા દે પણ એક છેલ્લો દાવ એવો લે કે બાળક હારી જાય. બસ, પ્રભુ પણ આપણને રમાડે છે અને યમરાજને છેલ્લે મૂકીને આપણને હારવા માટે મજબૂર કરી દે છે.