૧ : ૦૮ - કથા : “કષાય”

એક યુવાન એક સંત આગળ જઈને પૂછે છે. ચાર કષાયમાં કયો કષાય વધારે ખરાબ?

સંતે કહ્યું કે, સાંભળ સામે ઝાડ દેખાય છે ને એના પાનને ક્રોધ કષાય કહે છે. જે પાનને કાપી નાખો તો પણ થોડા દિવસમાં ઊગી આવે છે. ડાળીઓ છે ને એને માયા કપાય કહેવામાં આવે છે. જે ડાળી કાપી નાંખો તો પણ મહિનામાં પાછી તૈયાર થઈ જાય છે અને ઝાડનું થડ છે અને લોભ કષાય કહેવાય છે. જે વરસમાં પાછું થડ તૈયાર થઈ જાય છે પણ માન કષાય છે એ ઝાડના મૂળમાં છે. જે જ્યાં સુધી જાતું નથી. ત્યાં સુધી બાકીના કષાય પણ જાતા નથી. અહંકાર માન કષાયને જીતનાર બધા જ કષાયને જીતી લે છે. જેમ ઝાડનાં મૂળ જ બાળી નાખવામાં આવે તો જમીનમાંથી થડ, ડાળી કે પાન આવતાં જ નથી.

એક અહંકાર જાય. ક્રોધ, માયા, લોભ બધું જ જાય. આ અહંકાર જ બધાને જન્મ આપે છે.

અને બધા જ અહંકારમાં જ્ઞાનનો અહંકાર મોટામાં મોટો. 

સત્તા હોય તો સરી જતાં વાર ન લાગે 

સંપત્તિ હોય તો લૂંટાતાં વાર ન લાગે.

શરીર ગમે તેવું હોય પણ ક્ષીણ થતાં વાર ન લાગે એટલે આ વસ્તુનો અહંકાર તૂટી શકે પણ જ્ઞાનનો અહંકાર જતો નથી, કારણ કે જ્ઞાન તો માણસને આગલી જિંદગીમાં પણ સાથે આવે છે.