૧ : ૦૫ - પંડિતની પંડિતાઈ

એક વખત એક યુવક બનારસ ભણવા ગયો હતો. ત્યાંના એક બહુ જ વિદ્વાન પંડિત આગળ અભ્યાસ કરી પોતાને ગામ ચાલ્યો ગયો.આસ્તે આસ્તે આ યુવાનનું નામ બહુ પ્રચલિત થઈ ગયું. હવે પંડિતે પોતાના શિષ્યનાં વખાણ સાંભળી પરીક્ષા લેવા તેના ગામમાં ગયો. પંડિતે જેવો ગામમાં પગ મૂક્યો ત્યાં જ પેલો યુવાન શિષ્ય રસ્તામાં જ મળી ગયો. શિષ્ય ગુરુને આગ્રહ કરી ઘેર લઈ આવ્યો. પંડિતને જોઈતું હતું એવું જ મળી ગયું. યુવાનને મન થયું. પંડિતજી બહુ દૂરથી આવેલ છે. થાકી ગયા હશે એટલે ગુરુદેવને વિનંતી કરી કે તમે સ્નાન કરી લો. પછી જમીને આરામ કરજો .

નાનું ગામ હતું. ઠંડીમાં પણ બધા ઠંડે પાણીએ નાહ્યા. યુવાને પણ પંડિત માટે ઠંડા પાણીની બાલ્દી કાઢી આપીને સ્નાન માટે આગ્રહ કર્યો.

પંડિતને ખબર હતી કે પાણી ઠંડું છે અને કડકડતી ઠંડી છે. એટલે તેણે યુવાનને કહ્યું કે ભાઈ મારામાં તો જ્ઞાનની ગંગા વહે છે. પછી નાહવાની કયાં જરૂર છે. યુવાન સમજી ગયો કે આ ગુરુદેવમાં બહુ જ અહંકાર છે. હવે એનો અહંકાર આજ ઉતારવો છે.

સારું ગુરુદેવ મારી પત્ની તમારા માટે ચુરમાના લાડુ, ભજિયાં, અડદની દાળ વગેરે બનાવે છે. થોડીવાર પછી રસોઈ થઈ જાય એટલે આપણે જમી લઈએ.

રસોઈ થઈ ગઈ એટલે ગુરુશિષ્ય જમવા બેઠા. આગ્રહ કરી કરીને ગુરુને જમાડે છે, પછી ગુરુદેવને એક અલાયદા રૂમમાં આરામ કરવા માટે કહે છે. ગુરુદેવને કીધું કે હવે તમે આરામ કરો. હું થોડું બહારનું કામ પતાવીને આવું છું. ગુરુને પાઠ ભણાવવા શિષ્ય દરવાજો બહારથી બંધ કરી દીધો.

થોડીવાર પછી પંડિતને બહુ તરસ લાગી એટલે શિષ્યને બૂમ મારી કે દરવાજો જલ્દી ખોલ, મને બહુ તરસ લાગી છે. શિષ્ય બહાર જ ઊભો હતો. એને તો ગુરુને પાઠ ભણાવવો હતો. યુવાને મોટા અવાજે કીધું, ગુરુદેવ તમારામાં તો જ્ઞાનની ગંગા વહે છે. એમાંથી એક ખોબો પાણી પી લો. ગુરુ સમજી ગયા કે મારો શિષ્ય મારો અહંકાર તોડવા આ તરકીબ કરી છે. તરત જ શિષ્યને વિનંતી કરી ભાઈ તું જલ્દી દરવાજો ખોલ અને મને પાણી આપ નહીં તો હું મરી જઈશ. મને હવે મારી ભૂલ સમજાઈ ગઈ છે. અહંકાર એ વિનાશનો દરવાજો છે. ગુરુએ શિષ્ય પાસે પોતાની ભૂલ કબૂલી વિદાય લીધી.