૧ : ૦૪ - આત્મવ્યથા

આવ્યો છું પ્રભુ શરણ તારે, સ્વીકારી લે તું ચરણ તારે

મોહમાયામાં હું લપેટાયો, રાત કે દિવસ યાદ ન આવ્યો.. (1)

બચપણ વિતાવ્યું રમતગમતમાં, જોબન વીત્યું જોતજોતામાં

બુઢાપે આવી દ્વાર ખખડાવ્યો, કાળ આવી સામેજ ઊભો..આવ્યો (2) 

માતાપિતાએ લાડ લડાવ્યા, મમતાના મોહમાં ભૂલો પડ્યો હું

ભાઈ બહેનોએ હેતે હિલોળ્યો, સ્નેહના બંધને એવો બાંધ્યો...આવ્યો (3)

શરીર સુખમાં હું સપડાયો, આસ્તે આસ્તે સંસાર વધાર્યો

કરોળિયા કેરી જાળ રચીમેં મારી જ જાળમાં હું ફસાયો...આવ્યો (4)

કામધંધામાં એવો પડ્યો, મંદિરનો હું દ્વાર ન ચડ્યો,

સમયે મને સમય ન મળ્યો, આંખ ખૂલતા સમય ન બચ્યો...આવ્યો (5)

સાચા ખોટાં કેટલાં કર્યા, પાપપુણ્યના હિસાબ ન રાખ્યા

પાપ કર્યાં સૌ કોઈ કાજે, મેં બેડી બાંધી મારે જ હાથે..આવ્યો (6)

ક્રોધની બાથે એવો બંધાયો, છૂટવા ધારી છૂટી ન શક્યો

અહથી હું અળગો ન રહ્યો, લોભે મને લપટી રાખ્યો...આવ્યો (7)

ભટકી રહ્યો છું જનમ જનમથી, મળ્યો નહીં કોઈ સાચો સાથી

આશા લઈને આવ્યો દ્વાર તારે, ગળે લગાડી લે મુજને આજે... આવ્યો (8)

સગાસંબંધી સ્મશાને આવ્યા, દીધો દાહને ઘેર ચાલ્યા

શ્વાસ તૂટ્યો, સંબંધો છૂટ્યા, એકલો આવ્યો એકલો ચાલ્યો... આવ્યો (9)

કર જોડીને આવી ઊભો હું, બાળક સમજી માફ કર તું

અશ્રુ કેરી અંજલિ આપું, દયાના સાગર દયા જ કર તું...આવ્યો (10)