૧ : ૦૧ - ઇન્દ્રિયનાં સુખ, અંતે દીએ છે દુઃખ.

કથા

૧.      કાન-શ્રવણ ઇન્દ્રિય :

હરણને સંગીતનું આકર્ષણ હોય છે. એટલે શિકારી સંગીતથી હરણને આકર્ષિત કરે છે અને અંતે શિકારીની જાળમાં હરણ ફસાઈ જાય છે.

૨.      ચક્ષુ ઇન્દ્રિય :

પતંગિયાને પ્રકાશ એટલે કે રૂપ પ્રત્યે આકર્ષણ હોય છે અને તે અગ્નિ પ્રત્યે આકર્ષણ કરતાં બળીને ભસ્મ થઈ જાય છે.

૩.      નાક-ધ્રાણેન્દ્રિય :

ભ્રમરને સુગંધનું આકર્ષણ છે. આથી કમળના ફૂલની સુગંધમાં અતિ આસક્ત થઈને સુગંધ તો લે છે પણ સાંજના સૂર્યાસ્ત થતાં તે ફૂલમાં જ ફસાઈને મૃત્યુ પામે છે.

૪.      સ્વાદ ઇન્દ્રિય :

માછલીને સ્વાદમાં રસ હોય છે એટલે માછીમાર તીક્ષ્ણ તારમાં લોટ લગાડીને માછલીની આગળ મૂકે છે અને માછલી જેવી લોટને મોઢામાં લેવા જાય છે કે કાંટો તેના ગળામાં ફસાઈ જાય છે અને સ્વાદને ખાતર મોતને ભેટે છે.

૫.      સ્પર્શ ઇન્દ્રિય :

હાથીને સ્પર્શનું બહુ સુખ લાગે છે એટલે જ્યારે હાથીને પકડવો હોય ત્યારે એક જગ્યાએ ખાડો ખોદી તેના ઉપર ઘાસ પાથરવામાં આવે છે અને સામે હાથણીને ઊભી રાખવામાં આવે છે. હાથી હાથણીના સ્પર્શ માટે દોડતો હાથણી આગળ જવા જાય છે ત્યાં જ ખાડામાં પગ પડતા માણસના હાથમાં આવી જાય છે અને લોખંડની સાંકળમાં જિંદગીભર રહેવું પડે છે.

આજનો માનવી તો પાંચ ઇન્દ્રિયના સુખમાં લપટાયેલ છે. તો વિચારો માણસની શી દશા થતી હશે?

માણસ બધા જ ઇન્દ્રિયના ભોગ ભોગવે છે પણ છેવટ હાથમાં શું આવે છે? હાથ ખાલીને ખાલી રહી જાય છે. જીવનભર સ્વાદ ઇન્દ્રિય માણી હાથ શું આવ્યું? મનગમતું ખાધું, મનગમતું પીધું પણ કશું જ રહ્યું નહીં. આજનું ખાધેલ બીજા દિવસે બધું જ જતું રહે છે.

સ્પર્શ ઇન્દ્રિયનું સુખ માણીને જિંદગીની સંધ્યાએ ખબર પડી કે હાથમાં શું આવ્યું? માત્ર નિરાશા જ.

ચક્ષુ ઇન્દ્રિયના સુખમાં જીવનભર નાટક-સિનેમા ગામ-પરગામ, જંગલ-પહાડ બધુંજ માણ્યું પણ છેવટના શ્વાસ સુધી સંતોષ થયો નહીં.

કર્ણ ઇન્દ્રિયઃ સુમધુર સંગીત સાંભળ્યું. સિનેમાનાં ગીતો સાંભળ્યાં. ન સાંભળવા જેવું પણ સાંભળ્યું પણ છેવટે એમ જ લાગે કે જીવનમાં ખાલીપો તો એમ ને એમ રહ્યો.

ધ્રાણેન્દ્રિયઃ જાતજાતની અત્તરની સુગંધ લીધી પણ મન ભરાયું નહીં એ તો ખાલીને ખાલી જ રહ્યું.

ઇન્દ્રિયોના સુખ માટે ઇન્દ્રિયોના ઉપર માલિક થઈને રહેવાથી આત્મપ્રાપ્તિ થાય છે પણ આપણે એના ગુલામ બની મહાકિંમતી એવી માનવભવની ક્ષણો ગુમાવી દઈએ છીએ.