સંસારમાં ચિંતન કરવા જેવું હોય તો એ છે કે, ‘‘આ સંસાર અનિત્ય છે.’’ આ સંસારમાં કોઇ વસ્તુ નિત્ય નથી. બાળક યુવાન થાય, યુવાન વૃદ્ધ થાય અને વૃદ્ધ મરણને શરણ થાય. આમ મૃત્યુ એ જીવનનો બીજો છેડો છે. મૃત્યુ એ જન્મથી નક્કી થયેલ હોય છે, પણ ક્યાં અને ક્યારે થાય એ આપણે જાણતા નથી.
સંસારની દરેક વસ્તુ જે જીવંત છે તે મૃત્યુને આધીન છે. દરેક પશુ-પક્ષી, ઝાડ-પાન, મનુષ્ય સમય જતાં બધાં જ મૃત્યુ પામે છે. આ બધાંમાં માણસ એ જ એક એવો છે કે તે મૃત્યુને જાણી શકે છે એ જ કદાચ માણસ માટે દુઃખનું કારણ છે. મૃત્યુ બધું જ છીનવી લેશે, મૃત્યુ બધાં જ સ્વપ્ન રોળી નાખશે. મૃત્યુ ન જાણે ક્યાં લઇ જશે, શું હશે ભવિષ્યના ગર્ભમાં? આવા સવાલ માણસને મનમાં થયા જ કરે છે અને આ જ સવાલોના જવાબ શોધવા ધર્મ
તરફ વળે છે.
‘‘જન્મ છે તેનું મૃત્યુ છે જ’’ આવી સુફિયાણી વાતો આપણે હંમેશાં કરીએ છીએ, પણ અંદરથી આપણે માની બેઠા છીએ કે આપણે તો અહીં જ કાયમ રહેવાના છીએ, પણ માણસને જ્યારે અંદરથી અહેસાસ થાય છે કે હું પણ એક દિવસ મરવાનો છું, તે દિવસે ‘‘ધર્મ’’નો જન્મ થાય છે.
દરેક લોકોએ પોતાના જીવનની ગાડીમાં રેલવેના બે ડબ્બામાં જેમ સોકપર્સબ હોય તેમ માણસોએ પણ સોકપર્સબ લગાડી રાખ્યા છે, જેથી કોઇ પ્રસંગમાં ધક્કો ન લાગે. આ સોકપર્સબ ધક્કાનો અહેસાસ થવા દેતો નથી અને આથી જ આપણા કુટુંબના જ કોઇ સભ્ય પતિ હોય, પત્ની હોય પુત્ર હોય, એના મરણની અસર થોડા સમયમાં ભૂલાઇ જાય છે, કારણ આપણે ધક્કો ન લાગે એની વ્યવસ્થા કરી લીધી છે અને આ જ કારણે આપણામાં પરિવર્તન આવતું નથી અને જેમ સંસારમાં આવ્યા તેમ પાછા ફરીએ છીએ.
પણ આમાં ઘણા લોકો એવા હોય છે કે જે આ ધક્કામાં પૂર્ણપણે જાગી જાય છે અને ત્યારે સાચા ધર્મનો જન્મ થાય છે. બુદ્ધ, મહાવીર અને આવા મહાન આત્માઓએ આ ધક્કો જોયો અને જીવનપ્રવાહ બદલી નાખ્યો અને આખિર સત્યને પ્રાપ્ત કરી ‘‘ભગવાન’’ એટલે કે ભગવત્તાને ઉપલબ્ધ થઇ ગયા.
બુદ્ધે રસ્તે જતી નનામી જોઇને રથના સારથિને પૂછ્યું કે, આ માણસને આ બધા લોકો ખભે ઉપાડીને કેમ લઇ જાય છે? સારથિએ કહ્યું : રાજન ખોટું શું કહું, આ માણસ મૃત્યુ પામ્યો છે અને આ બધા એને સ્મશાને લઇ જઇ રહ્યા છે.
બુદ્ધે પૂછ્યું હું પણ મૃત્યુ પામીશ.
સારથિએ કહ્યું, હા રાજન, એક દિવસ તમે પણ મૃત્યુ પામશો.
બુધ્દે કહ્યું, રથ પાછો વાળ જે મૃત્યુ કાલે થવાનું છે એ આજે પણ થઇ શકે છે.
બુદ્ધે આવાં બીજાં દૃષ્ય જોયાં, જેમાં એક વૃદ્ધ માણસ વાંકો વળીને લાકડીને ટેકે ચાલતો હતો. આ બધાં દૃષ્યોઓ બુદ્ધનાં મન અને શરીર વચ્ચેના સોકપર્સબ તોડી નાખ્યા અને એક મોટો ધક્કો લાગ્યો જે ધક્કાએ આપણને સિદ્ધાર્થમાંથી ભગવાન બુદ્ધ આપ્યા.
દરેક મહાપુરુષો એમ ને એમ નથી બનતા. એમના જીવનમાં એવા પ્રસંગો આવેલા જ હોય છે, જે તેમને ‘‘જીવન શું છે?’’ એ જાણવા સંસારીમાંથી સાધુ બનાવી દે છે અને આખિર નિર્વાણને પામે છે.