સંસારમાં જો આપણે વાસનાથી મુક્ત થઇ શકીએ તો
આપણા જીવનમાં અડધી કામયાબી હાંસલ કરી લીધી
એમ સમજવું. જો આપણે ઇચ્છાથી પણ મુક્ત બની
જઇએ તો પછી મૃત્યુનો ભય જીવનમાંથી વિદાય થઇ જાય.
આપણને મૃત્યુનો ડર એટલે લાગે છે કે, આપણે વાસનાથી
ભરેલા છીએ. ધનની વાસના, સન્માનની, સત્તાની, શરીરની
વાસના, માન, સન્માન, સમાજમાં મોભાની વાસના, આ
બધી વાસના આપણને આંધળી દોટ મુકાવે છે. જેમ
આંધળો માણસ ક્યાંક ને ક્યાંક ભટકાયા વગર રહેતો
નથી. આપણે પણ આવી બધી ઇચ્છાઓથી ભરેલા,
ભવસાગરમાં ભટક્યા વગર રહી શકતા નથી.
આપણી આ ઇચ્છાઓ લોભને જન્મ આપે છે અને
લોભ હરીફાઇને જન્મ આપે છે. હરીફાઇ ઇર્ષ્યાને જન્મ આપે
છે. આમ એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી વસ્તુ
તરફ માણસ ધકેલાતો જાય છે. આ પાગલ સંસાર છે,
પણ પાગલપણાનું મૂળ કારણ આપણી વાસના છે ઇચ્છાઓ
છે, અને જે દિવસે આપણે એનાથી મુક્ત થઇશું તે દિવસે
જ ખરા અર્થમાં આપણે આપણા સમાજ અને દેશનું ભલું
કરી શકશું, નહીં તો ખોટાખોટા નાટક કરી જીવન મૃત્યુના
મોઢામાં જતું રહેશે અને માણસને અંતિમ સમયે જે દુઃખ
અને વેદના હશે તેનો કોઇ ઉપાય નહીં હોય. ઇશ્વર દરેકને
સદ્બુદ્ધિ આપે એ જ અભ્યર્થના સાથે...