એક નાનું એવું ગામ હતું. એ ગામમાં એક ઢોલી હતો.
આ ઢોલી હંમેશાં સાંજના સમયે ઢોલ વગાડતો. ગામ
આખું એનો ઢોલ સાંભળવા ભેગું થઇ જતું. એના જેવું
ગામમાં કોઇ ઢોલ વગાડવાવાળું નહોતું. ઢોલી વગાડવાનું
બંધ કરે એટલે સૌ પોતપોતાના ઘરે જતા રહેતા.
પણ ત્યાં એક બકરીનું બચ્ચું પણ ઢોલ સાંભળવા
દરરોજ આવતું અને બધાથી છેલ્લે જતું. ઢોલી દરરોજ આ
બચ્ચાને જોઇને વિચારતો કે આ બચ્ચું દરરોજ ગામવાળાની
જેમ સાંજે મારો ઢોલ સાંભળવા આવે છે અને ગામવાળા
જતા રહે પછી છેલ્લે એ જાય છે.
ઢોલીને વિચાર આવ્યો કે કંઇક રહસ્ય લાગે છે, એટલે
એક દિવસ ઢોલ વગાડીને ઊભો હતો. ગામવાળા બધા
જતા રહ્યા, પણ બકરીનું બચ્ચું ઊભું હતું. એટલે ઢોલીએ
બકરીના બચ્ચાને પૂછ્યું કે, હું હંમેશાં તને જોઉં છું કે,
મારો ઢોલ સાંભળ્યા પછી ગામવાળા જતા રહે છે, પણ તું
ઢોલ સામે તાકીને જુએ છે અને છેલ્લે જાય છે. મને
સમજાતું નથી કે તને આ ઢોલ સાથે શું એવું મમત્વ છે?
બકરીનું બચ્ચું ઢોલીને કહે છે કે, તેં મને પૂછ્યું છે તો
જવાબ આપું. મારી મા જ્યારે જીવતી હતી ત્યારે હંમેશાં
મને કહેતી કે, બેટા! માણસ મરી જાય છે ત્યારે એની
ચામડીનું ‘‘દાન’’ દે છે. એ ચામડી કોઇ સખત દાઝી
ગયેલા માણસને લગાડવામાં આવે છે અને દાઝી ગયેલ
વ્યક્તિ પહેલાં હતો એવો તંદુરસ્ત થઇ જાય છે, પણ બેટા,
આપણે તો જનાવર છીએ. આપણે તો આવી રીતે બીજાને કામમાં ન આવી શકીએ અને મરણ પામ્યા પછી
આમેય આ ચામડી શું કામમાં આવવાની, પણ આપણી
ચામડી ભલે મુનષ્યને કામ ન આવે, પણ મનુષ્યને
આનંદિત કરી શકે છે. મેં મારી માને પૂછ્યું કે એ કઇ રીતે
બને. માએ કહ્યું, બેટા! આપણી ચામડી જો કોઇ ઢોલી
પોતાના ઢોલ પર ચડાવી ઢોલ વગાડે અને ઢોલી હોશિયાર
હોય તો સાંભળનારને ખુશખુશાલ કરી દે.
બકરીનું બચ્ચું ઢોલીને કહે છે કે, સાંભળ ભાઇ! તારા
ઢોલમાં જે ચામડું લાગેલ છે ને એ મારી માતાનું ચામડું છે
અને એટલે જ હું દરરોજ આ ઢોલની એક થાપ તું મારે છે
તે સાંભળું છું. સાંભળનારના પ્રફુલ્લિત ચહેરા જોઇને મારી
માના શબ્દો યાદ આવે છે કે મૃત્યુ પછી આપણે માણસને
ચામડીનું દાન ભલે ન દઇ શકીએ, પણ આપણી ચામડી
કોઇ પોતાના ઢોલ પર લગાડીને વગાડે તો આપણું
જીવતર લેખે લાગી જાય. હું મારું જીવન સાર્થક થઇ જાય
એમ ઇચ્છું છું, માટે તું મને વચન આપ કે મારા મૃત્યુ પછી
મારી ચામડી તારા ઢોલ પર લગાડશે અને તું જો જીવતો
ન હોય તો જતાં પહેલાં તારા પુત્રને કહેતો જાજે કે આ
બકરીના બચ્ચાની ચામડી ઢોલ પર લગાડે.
ઢોલી વચન આપે છે કે, તું જા, તારી ઇચ્છા હું પૂર્ણ
કરવાનું તને વચન આપું છું. બચ્ચું જતું રહે છે, પણ ઢોલી
વિચારમાં પડી જાય છે કે એક જાનવરમાં માનવતાના
કેટલા બધા ગુણ ભરેલ છે. ધન્ય એની માતાને કે એને
આવા ‘‘સંસ્કાર’’ આપ્યા, પણ આજે માનવીમાં જ
માનવતાના ગુણ કેટલા રહ્યા છે એ આપણે જાતે જ નક્કી
કરવાનું રહેશે.