એક દિવસ એક યુવાને ભગવાન મહાવીરને પ્રશ્ન ર્ક્યો
કે, માણસને જીવનભર ભય શાના કારણે લાગે છે?
મહાવીરના સમયનો આ પ્રશ્ન કદાચ આજે પણ એટલો
જ મહત્ત્વપૂર્ણ લાગે છે. દરેકને કોઇક ને કોઇક ભય
સતાવતો જ હોય છે. શ્રીમંતને પૈસા કોઇ લૂંટી ન જાય
એનો ભય હોય, સત્તાધારીને એની સત્તા સરી ન પડે
એનો ભય હોય, સ્વસ્થ માણસને કોઇ મોટો રોગ ન આવી
પડે એનો ભય હોય, યુવાનને વૃદ્ધાવસ્થાનો ભય હોય, પણ
બધા કરતાં મોટામાં મોટોમાં જો કોઇ ભય હોય તો તે છે
મૃત્યુનો.
દરેક સંસારી જીવને મુત્યુનો ભય સતત સતાવતો હોય
છે, કારણકે મૃત્યુ એ આપણને આપણી આજુબાજુના
વાતાવરણથી, સંબંધોથી, જ્ઞાત વસ્તુથી એક અજ્ઞાત વસ્તુમાં
લઇ જનાર છે. જ્યાં નથી આપણા મિત્રો, નથી આપણા
સંબંધીઓ, નથી આપણું મકાન, ગાડી, બંગલા વગેરે
અને ખરેખર તો જેને આપણે હંમેશાં આપણા જ માની
બેઠેલા છીએ એવા આપણાં પતિ કે પત્ની, પુત્ર જે પણ
પરિવારજન હોય તે બધાં જ તથા મુખ્ય આપણું શરીર
જેને જીવનભર આપણું જ માનીને જીવીએ છીએ, આ
બધામાંથી કંઇ પણ મૃત્યુ પછી નહીં હોય આનો ડર
માણસને બહુ જ સતાવે છે અને આ ભયથી માણસ
અશાંત અને અસલામતીના વાદળમાં ઘેરાઇ જાય છે.
જીવનભર માણસ યુવાનીમાં દોડતો હોય. એ દોડ માન,
સન્માન, સંપત્તિ, પ્રતિષ્ઠા, સુરક્ષા માટે હોય, પણ મૃત્યુ નજીક આવતું દેખાય ત્યારે જાણે ધરતીકંપની જેમ બધું જ
ધ્રૂજવા માંડે. વિચારે કે, જીવનભર બધી જ મહેનત, બધી
જ સુરક્ષા માટેની કોશિશ, બધા જ સંબંધો, બધી જ
મિલકત, બધાં જ માન-સન્માન પત્તાંના મહેલની જેમ
કડડભૂસ્સ થતાં લાગે અને જીવન ખાલી મૂઠીની જેમ
ખાલી જ રહી જાય ત્યારે માનવીની મનોદશા અસહ્ય થઇ
જાય છે.
ક્યારેક આપણને લાગે કે મૃત્યુને આપણે જોયું નથી,
જાણ્યું નથી, છતાં પણ એનો આટલો ભય કેમ છે?
ખરેખર ભય મૃત્યુનો નથી, પણ ભય જે આપણે આ
જીવન માણીએ છીએ એના છૂટી જવાનો છે. જેને આપણે
આ શરીર એ જ હું છું એવું મનમાં ઘર થઇ ગયેલ છે કે
આ ‘‘હું’’ સાથેનો સંબંધ મૃત્યુ ઝૂંટવી લે છે અને ઝૂંટાઇ
જવું એ જ ભય.
વાસ્તવમાં મનુષ્યને મૃત્યુનો જે ભય લાગે છે એ ભય
મૃત્યુ કરતાં જેને આપણે જીવન કહીએ છીએ તે ખોવાનો
ડર છે. જે આપણે જીવન જાણીએ છીએ, જેની સાથે
આપણો પ્રાણ મોહગ્રસ્ત છે એ જ આપણે છીએ એવો
અહેસાસ મૃત્યુનો ડર પેદા કરે છે. જીવનભર આપણે
પદાર્થોમાં એટલા મોહગ્રસ્ત હોઇએ છીએ કે તે જ આપણને
સત્ય ભાસે છે. જે દિવસે આપણા આ મોહને જાણી
જઇએ છીએ તે દિવસે આપણે સંસારથી મુક્ત થઇ જઇએ
છીએ અને આપણે આપણા સ્વમાં આવી જઇએ છીએ
અને પછી કોઇ ભય રહેતો નથી. ભયમુક્ત બની જઇએ
છીએ.