દિવસોના મૌન પછી વહેલી સવારે બુદ્ધ બોલવાના
હતા, પરંતુ એ પહેલાં કે તે પોતાનું મૌન તોડે, આશ્રમના
દ્વાર પર એક પંખી ગીત ગાવા લાગ્યું હતું. એ શાંતન્િ
ાઃસ્તબ્ધ પ્રભાતે પછી તો બુદ્ધ ચૂપ જ રહ્યા. સૂર્યના
સવારનાં કિરણ ચારેતરફ ફેલાતાં ગયાં અને પક્ષી ગીત
ગાતું રહ્યું. બધા જ લોકો બુદ્ધની સાથે ચૂપ હતા અને
ચૂપમાં એ ગીત જાણે દિવ્ય બની ગયું હતું.
જેવું પક્ષીનું ગીત બંધ થયું કે શૂન્ય વધુ ગાઢ બની
ગયું. પછી બુદ્ધ ઊભા થયા અને કશું જ બોલ્યા વગર
ચાલી નીકળ્યા, જાણે કે એનું મૌન જ પ્રવચન બની ગયું
અને આ પ્રવચનમાં જે શબ્દોથી ન કહી શકાય એવું જાણે
બધું જ કહી દીધું. જગતઆખું દિવ્ય છે, ભગવાનમયી છે,
પણ આપણે જીવનભર ઘોંઘાટમાં ભગવાનનો અવાજ
સાંભળી શકતા નથી. પ્રભુની છાપ અને છાયા દરેક
વ્યક્તિમાં છે, દરેક પ્રાણીમાત્રમાં છે, પણ આપણે શાંતચિત્તે
સાંભળવા તૈયાર થતા નથી. બસ, એટલે જ સત્ય સમજાતું
નથી. ‘‘આપણે ખૂબખૂબ ભરેલા છીએ એટલે ભગવાન
અંદર પ્રવેશી શકતા નથી. જે દિવસે આપણે અંદરથી
ખાલી થઇ જઇશું તે દિવસે ભગવાન અંદર પ્રવેશ કરી જશે
એની ખબર પણ નહીં પડે.’’
આપણે સત્ય પામવું છે, પણ બંધ આંખે. સૂર્ય ઊગેલ
હોય, પણ આંખ બંધ રાખવાથી અંદર અંધારું જ દેખાય
છે. તેમ સત્ય ગોતવા માટે આંખ ખોલવાની છે, એટલે કે
ચૂપ-મૌન થઇ જવાનું છે. આંખો ખોલો ને જુઓ, ચિત્તને
શાંત કરો ને માત્ર જુઓ. એક દિવસ વિસ્ફોટ થશે અને એ
નિરવિચાર અવસ્થામાં આત્માનું મિલન થશે પછી કશું જ
કરવાનું નથી. માત્ર માણવાનું છે.