ઘણાબધાને આ ‘‘સત્ય શું છે?’’ એ પ્રશ્ન સતાવતો
હશે અને આ નવા યુગમાં નવયુવાનને વધારે ગુમરાહ કરે
છે. ‘‘ઓશો’’ જેવા તત્ત્વજ્ઞાનીએ આ વિષય પર જે
પ્રકાશ પાડેલ છે એ આજના યુવાનોને સતાવતો આ સત્ય
વિષેનો પ્રશ્ન દિમાગમાં ઊતરી જાય એવો લાગે છે અને
આથી જ મેં આજે આ વિષય પર કંઇક લખવાનું વિચાર્યું
અને આ વિચારો બધા ‘‘ઓશો’’ના જ છે. મેં એ
વિચારોને મારા શબ્દોમાં ગોઠવેલ છે જે યોગ્ય લાગશે એમ
માનું છું.
સત્ય પર ચાલવાની શરૂઆત જેને કરવી છે એણે બધા
જ મતમતાંતરોને મગજમાંથી ભૂંસી નાખવાના છે, એટલે
કે તિલાંજલિ દેવાની છે. જે કોઇ પક્ષમાં, સંપ્રદાયમાં,
ગચ્છમાં રમે છે તેને માટે સત્ય પામવું બહુ દુષ્કર છે. બધા
જ ગચ્છો, સંપ્રદાયો, માર્ગો એ મનુષ્યના મનની નિર્મિતિ
છે.
‘‘સત્ય’’ને કોઇ પક્ષ નથી. એ નિષ્પક્ષ છે. એટલે જ
કોઇ પક્ષમાં ન પડો, કોઇ ગચ્છ કે સંપ્રદાયમાં ન પડો. આ
માર્ગી તે માર્ગી વગેરે આવા બધામાં ન પડો અને આ જે
મનની પરિસ્થિતિ મનને જે સ્થિતિમાં લઇ જાય છે એના
માટે બધા જ પક્ષો હવે અનુપસ્થિત થઇ જાય છે અને
આવે સમયે જે દર્શન થાય છે તે જ સાચું દર્શન છે. જ્યારે
માનવી બધા જ ધર્મ છોડવા તૈયાર થાય છે ત્યારે જ તેનો
સાચા ધર્મમાં પ્રવેશ થાય છે અને એ સાચો ધાર્મિક બની
જાય છે. વિચારો ભેદ પેદા કરે છે, પરંતુ વિચારથી તો કોઇ ધર્મમાં નથી પ્રવેશી શકતું. ધર્મમાં પહોંચવા માટે નિઃવિચાર
થવું પડે છે, જ્યાં પછી કોઇ ભેદભાવ, ગચ્છ, સંપ્રદાય કે
માર્ગ રહેતા નથી. સત્ય એક છે, પણ મત અનેક પ્રકારના
છે અને જે મતમતાંતરમાં પડી પોતાના હાથે જ પોતાના
સત્યનાં દ્વાર બંધ કરી દે છે.
જીવન અને મૃત્યુ એ દરેક માટે સરખાં છે. આના માટે
આપણે કાંઇ વિચારભેદ નથી, પણ ધર્મની બાબત આવે
ત્યાં ભેદ થવા માંડે છે અને જ્યાં ભેદ આવે છે ત્યાં
આત્માના અભેદપણાને જાણવા માનવી અસર્મથ થઇ જાય
છે.
આપણે આસમાનમાં ઊડતાં પક્ષીને જોઇએ છીએ ત્યારે
એ પક્ષી આકાશમાં કોઇ નિશાન, પદચિહ્ન નથી મૂકી
જતું. બસ સત્ય પણ એવું જ છે, જે કોઇ પદચિહ્ન નથી
મૂકી જતું અને આથી જ સત્ય કોઇ નક્કી કરેલ માર્ગની
શોધ નથી. નક્કી કરેલ માર્ગ કોઇ ને કોઇ બંધન સુધી
લઇ જાય, એ મુક્ત ન કરાવી શકે. એ પક્ષીને પીંજરામાં
પૂરી શકે, આસમાનમાં મુક્ત રીતે ઉડાન ન કરાવી શકે.
આપણે પણ મુક્ત જીવન જીવવા માટે, સત્યની ઉપલબ્ધિ
માટે વિચારોથી મુક્ત થઇ નિઃવિચારની રાહ પર ચાલવું
પડશે અને ત્યારે જ સત્યને પ્રાપ્ત કરી શકશું.