૨ : ૧૬૪ - ઇશ્વર આપવા રાજી છે

‘‘પ્રભુને સમર્પણ થનાર બધું પ્રાપ્ત કરી લે છે’’.
ઘણાં વર્ષો પહેલાં હું એક તત્ત્વજ્ઞાનીનું પુસ્તક વાંચતો
હતો. એમાં એક ફકીરની વાત આવતી હતી.
આ ફકીર એક દિવસ ભીખ માગવા નીકળે છે. ઉંમરના
હિસાબે આંખે ઝાંખું દેખાતું હતું. એણે જોયું કે સામે એક
મકાન જેવું લાગે છે એટલે એણે બૂમ મારી કે, ‘‘ખુદાના
નામ પર કુછ દે દો, બાબા તારું ભલું કરશે’’.
રસ્તે આવતા-જતા માણસમાંથી એક યુવાને કહ્યું કે,
બાબા! આગે ચલો, આ કોઈ માણસનું મકાન નથી કે
તમને ભીખ આપે. વૃદ્ધે પૂછ્યું, તો કોનું મકાન છે?
મકાનનો માલિક ક્યાં છે? પેલો યુવાન બોલ્યો, બાબા!
આ મહાન નથી, આ તો મસ્જિદ છે. આનો માલિક તો
સ્વયં ખુદા છે.
ફકીરે માથું ઊંચું કરી મકાન તરફ નજર નાખી અને
એણે જોયું કે, આ તો મસ્જિદ છે અને એનું હૃદય એક
પ્યાસથી ભરાઈ ગયું. અંદરથી અવાજ આવ્યો કે, હવે
બસ, આ દરવાજાથી આગળ જવું અસંભવ છે.
અંતિમ સ્થાન, અંતિમ દ્વાર પર આવી ગયો, હવે
‘‘આનાથી આગળ માગવા માટે બીજાનાં દ્વાર ન હોઈ શકે.’’
એના હૃદયમાં એક સંકલ્પ ગાઢ થયો. ચટ્ટાનની જેમ
તેના હૃદયમાંથી એક પોકાર નીકળ્યો કે અહીંથી ખાલી
હાથે હવે નહીં જાઉં. અહીંથી ખાલી હાથે જનારના ભરેલા
હાથની પણ શું કિંમત. કહેવાય છે કે ફકીર મસ્જિદનાં પગથિયાં આગળ રોકાઈ
ગયો અને પોતાના બન્ને હાથ આકાશ તરફ ફેલાવી
ખુદાને પ્રાર્થના કરી કે, ખુદા! આજ તારાં દ્વારથી પાછો
નહીં જાઉં. જીવનભર દ્વારેદ્વારે ભટકતો રહ્યો, હવે અંતિમ
મુકામ પર આવી પહોંચ્યો છું. બસ, તારા સિવાય હવે
બીજી કોઈ પ્યાસ નથી. દિવસ આવ્યા ને ગયા, મહિના
આવ્યા ને ગયા, ૠતુઓ બદલાતી ગઈ, પણ આ
ફકીરની ફકીરીમાં ઓટ ન આવી. ફકીર વૃદ્ધ હતો, પણ
જિંદગીની અંતિમ ક્ષણોમાં લોકોએ એને નાચતો જોયો.
એની આંખમાં એક દિવ્ય પ્રકાશ જોયો અને એક મસ્તી
જોઈ. શરીરમાં એક નવો ઉત્સાહ અને આનંદ જોયો. તેણે
મરતાં પહેલાં એક વ્યક્તિને કહ્યું, ‘‘જે માગે છે તેને ખુદા
જરૂર આપે છે, પણ ખુદાને સમર્પિત થઈ જવું પડે છે.’’
‘‘જે પોતાની જાતને મિટાવા રાજી છે,
ઇશ્વર તેને બધું જ આપવા રાજી છે.’’