૨ : ૧૬૧ - ગુરુદક્ષિણા

એક વખત એક સંતની પાસે પાંચ યુવાન વિદ્યાભ્યાસ
માટે આવ્યા. છ મહિના સંત પાસે અભ્યાસ પૂરો કરી સૌ
પોતપોતાના ઘરે જવા નીકળ્યા ત્યારે ગુરુ પાસે જઈને કહે
છે કે, ગુરુદેવ! અમે તમારી પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને હવે
અમે પાંચે જણા અમારા સૌસૌના ગામ જવા માટે નીકળી
રહ્યા છીએ ત્યારે તમોને ગુરુદક્ષિણામાં શું આપવું એ માટે
તમારી પાસે આવ્યા છીએ. તમો જે માગશો તે અમો
આપવા તૈયાર છીએ.
સંત બોલ્યા, જ્યારે તમે ખરેખર ગુરુદક્ષિણા આપવા જ
માગો છો તો સાંભળોઃ
પહેલાને બોલાવીને કહે છે કે, તું મારા માટે એક
‘‘કમળનું ફૂલ’’ લઈ આવ.
બીજાને બોલાવીને કહે છે કે, તું મારા માટે
એક ‘‘કામળી’’ (ધાબડો) લઈ આવ.
ત્રીજાને બોલાવીને કહે છે કે, તું મારા માટે
એક સારામાં સારી ‘‘કલમ’’ લઈ આવ.
ચોથાને બોલાવીને કહે છે કે, તું મારા માટે
એક ‘‘કોરો કાગળ’’ લઈ આવ.
અને છેલ્લે પાંચમને કહે છે કે, તું મારા માટે
‘‘કંઈ ન કામનું’’ હોય એ લઈ આવ.
પાંચે મિત્રો બહાર નીકળે છે. બધા વિચારે છે કે
માર્કેટમાં જઈ આ બધી વસ્તુ લઈને આપણે ગુરુદેવને
આપીને પછી સૌ જુદા પડીએ અને પોતપોતાના ગામ
જવા નીકળી જઈએ. પાંચમા શિષ્યે કહ્યું કે, તમો બધા જાવ. મારે તો ન
કામની વસ્તુ આપવાની છે. હું તો અહીંતહીંથી ક્યાંયથી
પણ નકામી વસ્તુ ગોતીને આવું છું. તમે બધા તમારી
વસ્તુ લઈને આવો એટલે બધા સાથે મળીને ગુરુદેવને
ગુરુદક્ષિણા આપવા જઈએ.
પાંચમો શિષ્ય બહાર નીકળીને જુએ છે તો રસ્તામાં
એક ઉકરડો જોયો. એને વિચાર આવ્યો કે, ઉકરડાનો બધો
કચરો નકામો જ હોય છે. ચાલ આમાંથી એક મુઠ્ઠી ભરી
લઉં. જેવો એ કચરો લેવા જાય છે ત્યાં ઉકરડામાંથી
અવાજ આવે છે કે, યુવાન! અહીંથી કંઇ લેતો નહીં, હું
બહુ કામની વસ્તુ છું. હું નકામની વસ્તુ નથી. આ કચરો
ખેતરમાં નાખવામાં આવશે ત્યારે ધાન્યનો પાક થાય છે.
એ પાકથી ઘણાબધા લોકોની ભૂખ સંતોષાય છે. માટે તું
મને નકામો સમજી લેતો નહીં.
પછી યુવાન આગળ જાય છે. ત્યાં એને કુંભારના ઘરની
બહાર માટી પડેલી જોઇ વિચાર આવ્યો કે, લાવ આ માટી
લઈ લઉં, જેવો માટી લેવા જાય છે ત્યાં માટીમાંથી અવાજ
આવે છે કે, ભાઈ! તું માટી લેતો નહીં, મારા થકી આ
કુંભાર માટલાં બનાવશે, ત્રાવડી બનાવશે, નાના બરતન
બનાવશે, માટીના ઘડા બનાવશે અને આ ઘડાનું પાણી
ઉનાળામાં માણસ પીએ છે ત્યારે જે સંતોષ અનુભવે છે
એવો જીવનમાં ક્યારેય માણસ સંતોષ નથી અનુભવતો,
માટે હું નકામની વસ્તુ નથી, હું કામની વસ્તુ છું. યુવાન
ગભરાઈ ગયો. સમજતો હતો કે ગુરુદેવે મારી પાસે બહુ
સીધીસાદી દક્ષિણા માગી છે, પણ હવે લાગે છે કે ગુરુદેવે
કંઇક વિચાર કરીને મારી પાસેથી ખાસ ‘‘નકામી’’ વસ્તુ
માગી છે. આમ વિચાર કરતાંકરતાં ગામની બહાર નીકળી
જાય છે. ત્યાં દૂર એક નદી જુએ છે અને નદીકિનારે ગોળગોળ પથ્થર પડેલ એ જોઈને વિચારે છે કે ચાલ, આ
પથ્થર લઇ લઉં. આ પથ્થર ‘‘નકામા’’ જ છે. જેવો પથ્થર
ઉપાડવા જાય છે, ત્યાં પથ્થરમાંથી અવાજ આવે છે કે,
યુવાન! તું અમને નકામા ન ગણ. આ પથ્થર નાના
બાળક લઈ જશે અને પ્રેમથી રમશે. તું પણ નાનો હતો
ત્યારે આવા પથ્થરથી રમીને જ મોટો થયો છો, માટે તું
અમને ‘‘નકામા’’ સમજી ઉપાડતો નહિ.
યુવાન બહુ જ હોશિયાર હતો. તે સમજી ગયો કે
જગતમાં કંઈ નકામું નથી, તો પછી નકામી વસ્તુ મારે
લાવવી ક્યાંથી? જરૂર ગુરુનો આવી નકામી વસ્તુ માગવા
પાછળનો ઉદ્દેશ્ય કંઈક બીજો જ હશે. પાછો વળીને ગુરુ
પાસે આવી બેસી ગયો. ત્યાં બાકીના ચાર શિષ્યો પણ
આવી ગયા.
ગુરુ પહેલાને બોલાવે છે ને કહે છે કે, ક્યાં છે મારી
દક્ષિણા? પહેલો શિષ્ય કમળફૂલ આપે છે. ત્યારે ગુરુ
હાથમાં લઈને શિષ્યને હસતાહસતા પાછું આપે છે કે, મારે
ફૂલને શું કરવું છે? મેં તારી પાસે ફૂલ એટલા માટે
ગુરુદક્ષિણામાં માગ્યું હતું કે તું ફૂલ જેવો ‘‘કોમળ છે’’.
બીજાને તારા સ્વભાવની તું સુગંધ આપી શકે તેમ છો.
તારી ભેટ તને જ પાછી આપું છું.
બીજાની ભેટ ‘‘કામળી’’ હાથમાં લઈને બીજા શિષ્યને
કહે છે કે, મારે કામળી જોઈતી નથી, પણ મારે તને
કહેવાનું છે કે, તું કામળી જેવા સ્વભાવનો છો. બીજાને હૂંફ
આપી શકે તેવો છો. મારી પાસે તો ઘણી કામળી છે. હું
તને તારી જ કામળી પાછી ભેટમાં આપું છું.
ત્રીજાને બોલાવે છે અને કહે છે કે, ક્યાં છે મારી
‘‘કલમ’’. ત્રીજો શિષ્ય ગુરુદેવને તુરત ખિસ્સામાંથી કલમ
કાઢીને આપે છે. ગુરુદેવ કહે છે કે, મારી પાસે ઘણી ‘‘કલમ’’ - પેન છે. મેં તારા માટે જ મગાવી હતી. હું તને
ભેટ આપું છું, કારણકે તું એક લેખક અને કવિ જેવો છો,
માટે તું જ્ઞાનને લેખ અને કાવ્ય દ્વારા જગતમાં ફેલાવજે.
ચોથાને બોલાવીને કહે છે કે, ‘‘કોરો કાગળ’’ લાવ્યો?
હા ગુરુદેવ! લો આ કાગળ. ત્યારે ગુરુદેવ કહે છે કે, તું કોરા
કાગળ જેવો છો. તારા પર જે સંસ્કાર પાડવા હોય એ
પાડી શકાય. તું બાળક જેવો છો, માટે તું આ કાગળ
પાછો લઈ જા. તારી પાસે મારી યાદ સમજી રાખજે.
હવે છેલ્લો પાંચમાનો વારો આવ્યો ત્યારે પાંચમો હાથ
જોડીને બોલ્યો, ગુરુદેવ! મેં નકામી વસ્તુ ગોતવા બહુ
મહેનત કરી, પણ ક્યાંય મળી નહીં. ગુરુદેવ બોલ્યા,
બેટા! સંસારમાં કંઈ નકામું નથી, બધું જ કીમતી છે. હું
બરાબર જાણતો હતો કે તું બહુ અહંકારી છો. તારા
અહંકારને તોડવા માટે મેં તને ‘‘નકામી વસ્તુ’’ લઈ
આવવા કહેલ. જગતમાં ‘‘અહંકાર’’ જેવી બીજી કોઈ
નકામની વસ્તુ નથી. જે દિવસે તું અહંકાર છોડીશ, તું
એક મહાન સંત બની જઈશ. પાંચમો શિષ્ય ગુરુનાં
ચરણમાં પડી ગયો. સત્ય સમજાઈ ગયું. ગુરુને પાંચે શિષ્યો
વંદન કરી સૌ પોતપોતાના ગામે જવા નીકળી ગયા.