‘‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’’ આ કહેવત બધાએ
ઘણી વાર ઘણા માણસો પાસેથી સાંભળી હશે, પણ દરેક
કહેવત પાછળ એક કથા હોય છે. આ કથા કાલ્પનિક પણ
હોઈ શકે, અગર તો સાચી પણ હોઈ શકે. આપણે કથા
સાચી હોય કે ખોટી એ સમજવાની જરૂર નથી. જરૂર છે
એ આપણને શું બોધ આપે છે.
એક વૃદ્ધા બાઈ પોતાના પરિવારમાં કોઈ કમાવવાવાળું
ન હોવાથી પોતા પાસે એક ગાય હતી એ ગાયનું દૂધ વેંચી
પોતાનું ગુજરાન ચલાવતી હતી. એક વખત પોતાના
ગામથી નીકળી બીજા ગામ દૂધ વેંચવા જતી હતી.
રસ્તામાં થાક લાગવાથી એક તળાવના કિનારે ઝાડ નીચે
આરામ કરવા બેસી ગઈ. એકાએક એની નજર દૂધની
માટલી પર ગઈ. જોયું તો થયું કે આજે ગાયે દૂધ કંઈક
ઓછું આપ્યું છે. માટલીમાં દૂધ એટલું નથી કે પોતાના
ઘરાકને પૂરું થઈ જાય. એકાએક એની નજર તળાવ પર
ગઈ અને વિચાર આવ્યો કે લાવ થોડું પાણી નાખી દઉં.
આજુબાજુ જોયું, કોઈ દેખાણું નહીં એટલે થોડું પાણી
દૂધમાં નાખી દીધું. મનમાં ને મનમાં વૃદ્ધા ખુશ થઈ કે
ગાયે ભલે દૂધ ઓછું આપ્યું, પણ મેં મારી બુદ્ધિથી માટલી
ભરી દીધી. બસ આ એક દિવસનું કાર્ય કાયમ માટે થઈ
ગયું. રોજ ઝાડ નીચે આરામ કરે અને માટલી જેટલી
ખાલી હોય એટલું પાણી નાખીને વેંચવા જાય.
એક દિવસ આ બુઢ્ઢી બાઇ દૂધ વેંચીને ઘરે પાછી ફરતી
હતી. ઉનાળાના દિવસો હતા, સૂરજના તાપથી થાકીને ઝાડ નીચે આરામ કરવા બેઠી. આરામ કરતાંકરતાં આંખ
લાગી ગઈ અને ઊંઘ આવી ગઈ. ઊઠીને જુએ છે તો
પોતાની રૂપિયાની પોટલી દેખાણી નહીં. અચાનક એની
નજર ઝાડ ઉપર બેઠેલ બંદર પર પડે છે. બંદરના હાથમાં
બુઢિયાએ પોટલી જોઈને બુમાબુમ કરી દીધી. હું લૂંટાઈ
ગઈ, હું લૂંટાઇ ગઈ, મારી જિંદગીભરની કમાઈ પાણીમાં
ગઈ, બચાવો, બચાવો. સાંભળનાર તો કોઇ હતું નહીં. આ
બધું વાંદરો સમજી ગયો. એણે પોટલીમાં હાથ નાખી એક
સિક્કો બુઢિયા પર ફેંક્યો. બુઢિયા સિક્કો લઈને ખુશખુશાલ
થઈ ગઈ. પાછો હાથ લંબાવ્યો. વાંદરાએ બીજો સિક્કો
તળાવમાં ફેંક્યો. પાછો ત્રીજો સિક્કો બુઢિયા તરફ ફેંક્યો
અને ચોથો પાણીમાં ફેેંક્યો.
આમ એક સિક્કો પાણીમાં અને એક સિક્કો બુઢિયાના
હાથમાં આખિર અડધા રૂપિયા પાણીમાં ગયા, અડધા
રૂપિયા બુઢિયાને મળ્યા. આ બધું એક યુવાન દૂરથી જોતો
હતો, જે દરરોજ આ બુઢિયા દૂધમાં પાણી નાખતી,
ઘાલમેલ કરતી એ જોતો. એ યુવાનથી ન રહેવાણું. એ
દૂરથી જ બોલ્યો, માજી! ‘‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’’
થયું, આમાં રડો છો શા માટે. જેટલું પાણી દૂધમાં નાખેલ
હતું એટલા સિક્કા પાણીમાં ગયા. જેટલું સાચું દૂધ હતું
તેટલા સિક્કા તમને મળ્યા. ઈશ્વરે હિસાબ બરાબર કરી
દીધો છે.
પછી બુઢિયાએ કદી પાણી નાખવાનું સાહસ ન કર્યું.